મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં કોઈને કોઈ કારણોસર શિક્ષણથી વંચિત રહેલા બાળકોને શિક્ષિત બનાવવાના લક્ષ્યાંક માટે એવા બાળકો અંગે સર્વે હાથ ધરવાનું આયોજન થયું છે. સરકારના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ૬થી ૧૮ વર્ષની વય જૂથના શિક્ષણથી વંચિત રહેલા તમામ બાળકોનો સર્વે કરવામાં આવનાર છે. તારીખ ૨૮ ફેબ્રુઆરી સુધી હાથ ધરાનારા આ સર્વેમાં ધોરણ ૧થી ૧૨ સુધી શિક્ષણ જ ન લીધું હોય અથવા તો અધવચ્ચે શિક્ષણ છોડી દીધું હોય તેવા બાળકોની નોંધણી કરાશે. સરકારના તમામ વિભાગો, જાહેર જનતા અને એનજીઓને પણ આ કાર્યમાં સહભાગી થવા અપીલ કરાઇ છે. એનજીઓ અને જાહેર જનતાને આવા બાળકો ધ્યાને આવે તો નજીકની સરકારી શાળાના આચાર્ય, બીઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટર, જિલ્લા પ્રોજેક્ટ કચેરીના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૯૬૭ પર જાણ કરવા જણાવાયું છે.