ધારાસભ્ય અમૃતિયાને સાથે રાખેલી રજુઆત સરકારે સ્વીકારી લેતી સરકાર મોરબી : મોરબી જિલ્લાનો સૌથી વધુ પછાત તાલુકા માળીયા પંથકમાં છેલ્લા અનેક વર્ષોથી સિંચાઈનો પ્રશ્ન ગંભીર છે. સરકાર દ્વારા નર્મદાની કેનાલમાંથી પાણી હોવા છતાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન આપીને અન્યાય કરવામાં આવતો હોવાના ખેડૂત આગેવાનોના આક્ષેપ વચ્ચે તાજેતરમાં ધારાસભ્ય અમૃતિયાને સાથે રાખીને ખેડૂતોએ સિંચાઈ પ્રશ્ને સરકારમાં રજુઆત કરી હતી. આ રજુઆતને સરકારે સ્વીકારી લેતા ખેડૂત આગેવાનોએ ધારાસભ્યનો આભાર માન્યો છે. માળીયા તાલુકા નર્મદા શાખા નહેર ખેડૂત હિતરક્ષક સમિતિ ખાખરેચીના પ્રમુખ જયંતીલાલ કૈલાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી કે, ઉનાળાની સીઝન છેલ્લા ચાર વર્ષથી સરદાર સરોવર નર્મદા ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ નથી હોતો. આથી ખેડૂતો નર્મદા કેનાલમાંથી ઉનાળામાં આગોતરા ખરીફ પાકના વાવેતર માટે સિંચાઈનું પાણી મળતું નથી. પરંતુ ચાલુ વર્ષે પીવાના પાણી માટે જળાશયોમાં પૂરતી પાણીની વ્યવસ્થા છે. એવું સરકાર કહે છે. તેથી સરદાર સરોવર નર્મદા ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી હોય માળીયાના ખેડૂતો આગોતરું ખરીફ પાકનું વાવેતર કરી શકે તે માટે માળીયા બ્રાન્ચની કેનાલમાંથી સિંચાઈ માટે પાણી આપવાની માંગ કરી હતી. વધુમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માળીયા તાલુકા નર્મદા શાખા નહેર ખેડૂત હિતરક્ષક સમિતિ ખાખરેચીના પ્રમુખ જયંતીલાલ કૈલા, કિશાન મોરચા સંઘના પ્રમુખ નિલેશભાઈ સંઘાણી, સવજીભાઈ કારોટિયા, નરભેરામભાઈ ગઢિયા, અશોકભાઈ બાપોદરિયા, હરેશભાઈ કૈલા, લલિતભાઈ વિડજા, રાજેશભાઈ કૈલા સહિતના આગેવાનોએ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા,રાઘવજીભાઈ પટેલને ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની રજુઆત કરી હતી અને ધારાસભ્યએ યોગ્ય જગ્યાએ કરેલી રજુઆતને સરકારે સ્વીકારી લેતા ઉપરોક્ત ખેડૂત આગેવાનોએ ધારાસભ્યનો આભાર માન્યો છે.