સ્વચ્છતા અભિયાન અન્વયે મંત્રીઓએ સફાઈ કરીમોરબી : મોરબી જિલ્લામાં ‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના’ હેઠળ યોજાઈ રહેલા કાર્યક્રમો અંતર્ગત મોરબીમાં શનાળા ખાતે આવેલા શક્તિ માતાના મંદિર પરિસરમાં મંત્રીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા તથા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આ આયોજનમાં ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું.મંત્રીઓએ શ્રમદાનમાં સક્રિય સહભાગી બનીને મોરબીના પ્રત્યેક નાગરિકને ‘સ્વચ્છાગ્રહી’ બનવા હાકલ કરી હતી. આ ઝુંબેશ દરમિયાન લોકોને પ્લાસ્ટિકનું પ્રદૂષણ નાબૂદ કરવા, ‘મારો કચરો-મારી જવાબદારી’ ભાવના કેળવવા, ‘સ્વચ્છ શહેર-સુંદર શહેર’ બનાવવા અને ‘પ્લાસ્ટિક છોડો, પર્યાવરણ બચાવો’ સહિતના સંદેશાઓ આપવામાં આવ્યા હતા.શનાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ કમિશનર સંજય સોની તેમજ સ્થાનિક કોર્પોરેટરો, મહાનગરપાલિકા તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો જોડાયા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.