લજાઈ નજીક હોટલ ધરતીધન પાસે બનેલો બનાવ મોરબી : રાજકોટ મોરબી હાઇવે ઉપર લજાઈ ચોકડી નજીક આવેલ હોટલ ધરતીધનમાં ચા-પાણી નાસ્તો કરવા ગયેલા લજાઈ ગામના આધેડને કાળરૂપે સેન્ટ્રો કારનો ભેટો થઈ જતા આ અકસ્માતમાં આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૂળ લજાઈ અને હાલ વડોદરા રહેતા રવીભાઇ રસીકભાઇ વિઠલાપરાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.11 જુનના રોજ લજાઈ ખાતે રહેતા અને નિવૃત જીવન ગાળતા તેમના પિતાજી રસિકભાઈ જીવાભાઈ વિઠલાપરા હોટલ ધરતીધન ખાતે ચા-પાણી નાસ્તો કરવા બાઈક લઈને ગયા હતા જ્યાંથી પરત આવતી વખતે સેન્ટ્રો કાર રજીસ્ટર નંબર જી.જે.-૦૩-સી.આર.-૩૭૬૪ના ચાલકે તેમને હડફેટે લઈ અકસ્માત સર્જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. વધુમાં આ અકસ્માત બાદ ઇજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા અંતિમવિધિ બાદ આ મામલે તેમના પુત્ર રવીએ ગઈકાલે ટંકારા પોલીસ મથકમાં સેન્ટ્રો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.