યુગાન્ડાથી પરત આવતા જ એસએમસીએ અમદાવાદ એરપોર્ટ ઉપરથી આરોપીને દબોચ્યો મોરબી : ગત ડિસેમ્બર માસમાં મોરબી નજીકથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ટ્રકમાંથી વિદેશી કોલસો ચોરી કોલસામાં રાખ અને હલકી ગુણવતા વાળો કોલસો ધાબડી દેવાના ચકચારી કૌભાંડનો પર્દાફાશ કરતા કોલસા ચોરી પ્રકરણમાં મોરબીના શખ્સનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે ખુલ્યું હતું. જો કે, એસએમસીના દરોડા બાદ આરોપી આફ્રિકન કન્ટ્રી યુગાન્ડા નાસી જતા લુકઆઉટ નોટિસ પણ ઈશ્યુ કરી હોય આરોપી વાયા દુબઈ થઇ અમદાવાદ એરપોર્ટ ઉપર આવતા જ એસએમસીની ટીમે દબોચી લેતા અત્યાર સુધીમાં કોલસા ચોરી કૌભાંડમાં ધરપકડનો આંક 19 ઉપર પહોંચ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.7 ડિસેમ્બર 2024ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે મોરબી નજીક એક મોટા ગોડાઉનમાં દરોડો પાડી વિદેશી કોલસો ભરીને જતા ટ્રકમાંથી આયાતી કોલસો ચોરી બાદમાં આ કોલસામાં હલકી ગુણવત્તાનો કોલસો તેમજ રાખ મિક્સ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી તરીકે મોરબીના ભગીરથ હુંબલ રહે. મોરબી સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી રૂપિયા 3,57,13,175નો કોલસો જપ્તે કરવામાં આવ્યો હતો. આ ચકચારી કૌભાંડમાં એસએમસીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યા બાદ કુલ 18 આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ મોરબીના ભગીરથ હુંબલ ભાગી જતા એસએમસી ટીમે આરોપી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઈશ્યુ કરાવી હતી.બીજી તરફ કોલસા ચોરીનો આરોપી ભગીરથ હુંબલ ગઈકાલે તા.14ના રોજ યુગાન્ડાથી વાયા યુએઈ થઇ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરતા જ એરપોર્ટ ઉપર રહેલી વિદેશ મંત્રાલય દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરને આરોપી આવ્યો હોવાની જાણ કરવામાં આવતા એસએમસીની ટીમે આરોપીને અટકાયતમાં લીધો હતો. મોરબીના કોલસા કૌભાંડમાં અત્યાર સુધીમાં 18 આરોપીઓ બાદ મુખ્ય સૂત્રધાર એવો 19મોં આરોપી પકડાઈ જતા હવે આ વિદેશી કોલસા ચોરવાનું કૌભાંડ ક્યારથી ચાલતું હતું. કઈ-કઈ ફેકટરીઓમાં કોલસો વેચાણ કરવામાં આવ્યો હતો તે સહિતની બાબતો ઉપરથી પરદો ઉંચકાશે.