કોરોનાની વધતી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા નિર્ણય જાહેર કરાયો મોરબી : મોરબીમાં કોરોનાની પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી મોરબીના માર્કેટિંગ યાર્ડને બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોરોનાની વધતી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા નિર્ણય જાહેર કરીને ખેડૂતોને પોતાની ખેત પેદાશો લઈને વેચવા ન આવવાની તાકીદ કરવામાં આવી છે. મોરબીમાં કોરોનાની પરિસ્થિતિ ઘણી વિકટ બની છે. ત્યારે કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાય તે માટે ભીડનું જોખમ ટાળવા વિવિધ સ્તરેથી સ્વૈચ્છિક તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જો કે કોરોનાની ભયાનક પરિસ્થિતિને લઈને હાલમાં મોરબીનું માર્કેટિંગ યાર્ડ બંધ છે. થોડા સમય અગાઉ કોરોનાની ગંભીર પરિસ્થિતિને લઈને અમુક સમય મર્યાદા માટે આ માર્કેટિંગ યાર્ડને બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાની ભયાનકતા વધુને વધુ હાવી થતી હોવાથી આજથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબી દ્વારા જ્યાં સુધી કોરોનાની પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી મોરબીના માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મોરબીના માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગનું ખરીદ-વેચાણ સંપૂર્ણપણે બંધ રહેશે. જેની લાગતા વળગતા તમામે ખાસ નોંધ લેવી અને આ સમયગાળા દરમિયાન ખેડૂતોએ તેમની ખેતપેદાશો યાર્ડમાં ન લાવવા અને આ અંગેની જાણ દરેક કમિશન એજન્ટોએ પોતાના ખેડૂતોને કરવાની રહેશે તેવું માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.