તસ્કરો દુકાનના પાછળના ભાગે નકુચો તોડી ગોડાઉનમાંથી હાથફેરો કરી ગયા : પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરૂ કરી મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ પાન-માવાની હોલસેલની દુકાનના તસ્કરોએ તાળા તોડીને અંદાજીત રૂ.1.50 લાખની ચોરો કરી ગયા હોવાનું બહાર આવ્યું છે. તસ્કરો દુકાનના પાછળના ભાગે નકુચો તોડી ગોડાઉનમાંથી હાથફેરો કરી ગયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરૂ કરી છે. આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ લોકડાઉન વચ્ચે પણ મોરબીમાં તસ્કરો તરખાટ મચાવીને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. જેમાં ગતરાત્રે વધુ એક ચોરીનો બનાવ બન્યો હતો. મોરબીના સામાકાંઠે હાઉસિંગ સર્કલથી આગળ મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ ગોપાલ સોસાયટી પાસેની પાન-માવાની હોલસેલની દુકાન ઝાલરીયા સેલ્સ એન્જસીમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા. જેમાં તસ્કરો આ દુકાનના પાછળના ભાગેથી પ્રવેશ્યા હતા.પાછળના ભાગે ગોડાઉનના તાળા તોડી અંદર પ્રવેશીને તસ્કરો તેમાંથી તમાકું, બીડી, ચૂનાના પાઉચ મળીને આશરે રૂ.1.50 લાખના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ દુકાનમાં તસ્કરો ચોરી કરી ગયા હોવાનું માલિક હરેશભાઇ સાણદિયાએ જણાવ્યું હતું. આ બનાવની જાણ કરાતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં આ બીજી-ત્રીજી પાનની દુકાન તૂટી છે. લોકડાઉનમાં પાન માવા ન મળતા બંધાણીઓ બેફામ બન્યા છે. જોકે આ બનાવમાં કોઈ બંધાણીએ આ પાનની દુકાનને નિશાન બનાવી કે પછી ખરેખર તસ્કરો જ કળા કરી ગયા તે દિશામાં પોલીસે સઘન તપાસ ચલાવી રહી છે.