મોરબી : વર્તમાન સમયમાં મોબાઈલ જાણે જીવન જરૂરિયાતની વસ્તુ બનતા લોકોમાં વાંચન ઘટ્યું છે જે વાસ્તવિકતા છે. એવા સમયમાં 1937માં રજવાડા દ્વારા લોકોમાં વાંચન વધે અને જ્ઞાન વધે તે હેતુથી લખધીરસિંહજી લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી. આ લાયબ્રેરીમાં 11,500 જેટલાં વિવિધ પુસ્તકો છે.હાલમાં આ લાયબ્રેરી મહારાજા લખધીરસિંહજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. આશરે 87 જેટલાં વર્ષથી ચાલતી આ લાયબ્રેરીમાં ગુજરાતી સાથે હિંદી અને અંગ્રેજી ભાષાના પણ પુસ્તકો ખૂબ મોટી સંખ્યામાં છે. ઘણા જૂના પુસ્તકો લાયબ્રેરી દ્વારા કાળજીપૂર્વક જાળવણી કરવામાં આવે છે. આ લાયબ્રેરીમાં વાંચન માટે સભ્ય બનવા માટે એક આવેદનપત્રની પ્રક્રિયા છે. જેમાં તમે લાયબ્રેરીનું એકદમ ન્યુનતમ વાર્ષિક લવાજમ અને ડિપોઝિટ ભરીને આ લાયબ્રેરીના સભ્ય બની શકો છે. હાલમાં આ લાયબ્રેરીના 250 જેટલાં નિયમિત વાચકો છે. આ લાયબ્રેરી જૂની હોવાની સાથે અહીંયા સી. સી. ટી. વી. કેમેરા જેવી અધ્યતન સુવિધાઓ પણ છે. અને સાથે સાથે લાયબ્રેરીમાં બેસીને વાંચી શકાય તેવી વ્યવસ્થા પણ છે. 11,500 જેટલાં પુસ્તકોની વિવિધ કબાટમાં વિષયવાર સરળ ગોઠવણી કરાયેલ છે. જેમાં લેખકના નામ અથવા પુસ્તકના પ્રકાર પરથી તમને સહેલાઇથી પુસ્તક શોધી શકો છો. આ પુસ્તકાલયની મુલાકાત માત્ર પણ જાણે હેરિટેજ સ્થળની મુલાકાત લેતા હોય તેવી જગ્યા છે.