ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામના શિક્ષક દંપતિ મસોત મયંકભાઈ અને મસોત ભારતીબેને તેમના પુત્ર મસોત રિધમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. તેઓએ તેમના પુત્રના જન્મદિવસ નિમિતે ટંકારામાં ચાલી રહેલ ઉત્તમ પ્રવુતિ પુસ્તક પરબમાં રૂ. 10,000ની રકમના પુસ્તકો ભેટમાં આપીને સમાજને નવો રાહ ચીંધ્યો છે. મોટા ભાગના માતા-પિતા તેમના પુત્ર કે પુત્રીના જન્મદિવસ નિમિતે નિરર્થક ખર્ચ કરતા હોય છે. ત્યારે આ શિક્ષક દંપતિ સમાજ માટે પ્રેરણારૂપ છે. ઉલ્લેખનીય છે કે મસોત મયંકભાઈ હાલ ગજડી પ્રાથમિક શાળામાં અને મસોત ભારતીબેન હાલ સજનપર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. રિધમનું જીવન પણ તેમના માતા-પિતા, દાદા-દાદીની જેમ પરોપકારી અને તેજસ્વી બને અને તે સફળતાનાં તમામ શિખરો સર કરે તેવી પુસ્તક પરબ-ટંકારા ટીમના તમામ સભ્યો તરફથી રિધમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.