ધારાસભ્ય સાબરીયા જૂથે સંઘ કબજે કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું : ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો હળવદ : હળવદ ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું તારીખ ૩૦ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. જેમાં આજે સંઘની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય. જેથી, આજે ૮ ડિરેકટર માટે કવાડિયા જૂથના ૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જો કે ખરીદ વેચાણ સંઘ કબજે કરવા ધારાસભ્ય સાબરીયાના જુથએ એડીચોટીનું જોર લગાવ્યું હતું તે વાત જગજાહેર છે પરંતુ આજે તેઓના જૂથમાંથી એક પણ વ્યક્તિએ ફોર્મ નહિ ભરતા ખરીદ વેચાણ સંઘમાં કવાડીયા જુથનો દબદબો યથાવત રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હળવદ ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી માટે ગત તારીખ ૩૦ના રોજ જાહેરનામું બહાર પડાયું હતું. જેમાં તારીખ ૪ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય અને ૬ તારીખ સુધી ફોર્મ પાછું ખેંચી શકાય અને ૧૯ તારીખે ચૂંટણી અને ત્યારબાદ તે દિવસે જ રિઝલ્ટ જાહેર થવાનું હતું. ત્યારે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ૮ ડિરેક્ટર માટે કવાડિયા જૂથના ૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. એટલે કહી શકાય કે ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં પૂર્વ મંત્રી કવાડિયા જૂથનો ફરી દબદબો યથાવત રહેવા પામ્યો છે. જ્યારે ધારાસભ્ય જૂથને સંઘ કબ્જે કરવાના ઓરતા અધૂરા રહેવા પામ્યા છે. હળવદની ૪૦ મંડળીઓમાથી ૩૨ મતદાર હતા : ૬ તારીખે સંઘ બીનહરિફ જાહેર થશે! હળવદ ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં કુલ ૪૦ મંડળી આવેલી છે. જેમાં ૩૨ મંડળીના જે તે નક્કી કરાયેલ મતદાર હતા અને તેમાંથી ૭ને ડિરેક્ટર માટે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હતા. તેમજ સંઘમાં ૧૮ વ્યક્તિગત સભાસદોમાંથી એકને ડિરેક્ટરના પદ માટે ઉમેદવાર ચુટવામાં આવતો હોય છે. એટલે કુલ સંઘમાં ૮ ડિરેક્ટર હોય છે. જેથી, આજે ૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જે તારીખ ૬ના રોજ ફોર્મ ચકાસણી કર્યા બાદ કોઈ સામે હરિફ ન હોવાને લિધે ખરીદ વેચાણ સંઘ બીનહરિફ થશે એવું હાલ લાગી રહ્યું છે. ધારાસભ્ય જૂથ પણ ખરીદ વેચાણ સંઘ કબ્જે કરવા મેદાને પડયું હતું? હળવદ ભાજપમાં જૂથવાદ છે તે કોઈ નવાઈની વાત નથી. પાછલા ઘણા વર્ષોથી ખરીદ-વેચાણ સંઘમાં કવાડિયા જુથનો દબદબો છે પરંતુ આ વખતે ખરીદ વેચાણ સંઘ કબજે કરવા ધારાસભ્ય સાબરીયાના જુથ દ્વારા ભારે મહેનત કરવામાં આવી હતી. એટલે જ તો થોડા સમય પહેલાં સહકારી મંડળીના હોદ્દેદારો સાથે એક ખાનગી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આજે છ જેટલા ઉમેદવારો પણ ઉભા રાખવાની ચર્ચાઓ વહેતી થઈ હતી પરંતુ ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખે ધારાસભ્ય જૂથના એક પણ વ્યક્તિએ ફોર્મ ન ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.