આઠથી દસ કિમીના અંતરના રોડમાં ઠેરઠેર મસમોટા ગાબડાં કોઈનો ભોગ લે તે પહેલા તંત્ર મરામત કરે તેવી લોક માંગ મોરબી : મોરબીની વાવડી ચોકડીથી બગથળા ગામને જોડતા આઠથી દસ કિમિ અંતરના રોડ એટલી હદે ખખડધજ છે કે, આ રોડ પરથી પસાર થવું એટલે અકસ્માતને આમંત્રણ આપવા બરોબર છે. રોડ લાંબા સમયથી બિસ્માર છે અને રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ખાડે-ખાડા છે. આ જીવલેણ ખાડાઓ ગમે ત્યારે અકસ્માત નોતરે એવી ગંભીર સ્થિતિ હોય તંત્ર વહેલાસર જાગે તે જરૂરી છે. મોરબીની વાવડી ચોકડીથી બગથળા ગામને જોડતો માર્ગ ઘણા સમયથી ભંગાર હાલતમાં છે. આ અંગે સ્થાનિક રહેવાસી મયુરભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ રોડ લાંબા સમયથી નવો બન્યો નથી. એટલું જ નહીં તંત્ર દ્વારા આ માર્ગને રીપેરીંગ કરવાની પણ કોઈ તસ્દી લેવામાં આવી નથી. અનેક રજુઆત કરવા છતાં નિભર તંત્રના પેટનું પાણી હલ્યું નથી. જેના કારણે રોડ ઘીરી ધીરે નામશેષ થઈ રહ્યો છે. હવે તો આ રોડ પર ક્યાંય પણ સારો ભાગ બચ્યો નથી. વાવડી ચોકડીથી બગથળા ગામને જોડતો માર્ગની સ્થિતિ એટલી ભયંકર છે કે, રોડ પરના ખાડાઓને કારણે રોજ આઠથી દસ જેટલા વાહન ચાલકો આ ખાડાઓમાં પડે છે અને નાની-મોટી ઇજાઓ થાય છે. રોડ હવે ખતરનાક બની ગયો હોય ગમે ત્યારે કોઈનો ભોગ લેવાય એવી ગંભીર સ્થિતિ છે. તેથી, તંત્ર આ ગંભીરતાને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.