પીજીવીસીએલ તંત્રને ઔદ્યોગિક એકમોએ અગાઉ યોગ્ય મરામત કરવાનું સૂચન કર્યું 'તું, પણ તંત્રએ ધ્યાન ન દેતા ભારે નુકશાની સર્જાઈ : હાલ વીજ ધાંધિયાને લીધે ઔદ્યોગિક એકમોને બંધ કરવા પડે તેવી નોબત મોરબી : મોરબીના જેતપર સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વરસાદના કારણે એક મહિના પૂર્વે 70 થી વધુ ધરાશાયી થયેલા વિજપોલ હજુ પણ જમીનદોસ્ત છે. જો કે અગાઉ અહીંના ઔધોગિક એકમોએ પીજીવીસીએલને મરામત કરાવવા માટે સૂચન કર્યું હતું. પરંતુ તંત્રએ ધ્યાન ન દેતા ભારે નુકશાની સર્જાઈ છે. આ નુકશાનીને પહોંચી વળવામાં તંત્ર ઉણું ઉતર્યું છે. જેથી અહીંના ઔદ્યોગિક એકમોને બંધ કરી દેવા પડે તેવી નોબત આવી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ જેતપર સબ ડિવિઝનના વાઘપર એસ.એસ. હેઠળ 2000 કિલો વોટના 2 વિટ્રીફાઈડ એકમ અને 2 પેપર મિલ મળી 4 ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન આવેલા છે. આ સાથે અન્ય 100 થી વધુ કિલો વોટ વાળા 15 થી 20 કનેક્શન પણ આવેલા છે. ગત તા. 24 જૂને પડેલા વરસાદને કારણે અહીં 7 જેટલા વિજપોલ પડી ગયા હતા. બાદમાં 9 ઓગસ્ટના રોજ પડેલા વરસાદના કારણે અંદાજે 80 જેટલા વિજપોલ ધરાશાયી થઈ ગયા હતા. બાદમાં છેલ્લા એક મહિનામાં પીજીવીસીએલે માત્ર 7 જેટલા જ વીજપોલ ઉભા કર્યા છે. આ હજુ પણ 70 થી વધુ વીજપોલ જમીનદોસ્ત હાલતમાં પડયા છે. જો કે અહીં ગાળા ગામ પાસે આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા મોરબીના સુપ્રીટેનડેન્ટ એન્જીનીયરથી લઈને છેક કોર્પોરેટ ઓફિસના ચીફ ટેક્નિકલ ઓફિસર જે.જે. ગાંધી સુધીના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી રહી છે. પરંતુ તેનું કોઈ પરિણામ મળી રહ્યું નથી. અહીં આવેલા ઔદ્યોગિક એકમ હરિકૃપા પેપર દ્વારા અગાઉ પીજીવીસીએલ તંત્રને સાવચેત કરીને મેઈન્ટનન્સની કામગીરી કરવા રજુઆત કરવામાં આવી હતી. પરંતુ પીજીવીસીએલે ધ્યાન ન આપતા વરસાદના કારણે વ્યાપક નુકશાની વેઠવી પડી છે. વધુમાં હાલના તબક્કે અહીં 2000 કિલો વોટનું કનેક્શન ધરાવતા ચાર એકમોને એગ્રીકલ્ચર ફીડરમાંથી પાવર સપ્લાય કરવામાયા આવી રહ્યો છે. જેમાં પણ વારા રાખવામાં આવ્યા છે. વધુમાં આ એકમોને ટ્રેપિંગના કારણે ભારે નુકશાન સહન કરવું પડી રહ્યું છે. હરિકૃપા પેપરનાઆ જણાવ્યા પ્રમાણે તેમને ત્યાં 200 કામદારો છે. 400 નાના ફેરિયા અને 150 સપ્લાયર તેમની સાથે જોડાયેલા છે. હાલ વીજ ધાંધિયાના કારણે તેઓની રોજગારી ઉપર પણ અસર થઈ રહી છે. ઉપરાંત જો વીજ તંત્ર યોગ્ય પગલાં નહિ ભરે તો ઉદ્યોગ બંધ કરવાની નોબત આવશે.