નવેય આરોપીઓને કોવિડ ટેસ્ટ બાદ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાશે મોરબી : માળીયાના મોટી બરાર નજીકથી પકડાયેલા ફ્રોડ કોલ સેન્ટરમાં નવ આરોપીઓની પોલીસે અટક કરી હતી. આ પ્રકરણમાં પકડાયેલા નવેય આરોપીઓ માત્ર પ્યાદા જ હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી આ મહત્વપૂર્ણ કેસની ઊંડી તપાસ જરૂરી હોય તપાસ એલસીબી ટીમને સોંપવામાં આવી છે. માળિયાના મોટીબરાર ગામ પાસે પેટ્રોલપંપ નજીક બે માળના મકાનમાં ચાલતા ફ્રોડ કોલ સેન્ટરમાંથી બ્રિટનના નાગરિકોને કોલ કરીને બાકી વેરાના નામે નાણા ખંખેરતા વિકાસ સુરેન્દ્ર ત્યાગી, મીરેશ જયેશ શાહ, જીતું સબાસ્ટીન જ્યોર્જ, નરેન્દ્રસિંગ રાઠોડ, ઉમેશ હરેશકુમાર હીરાનંદાની, રાજેશ રૂબન ટોપનો, આકાશ યશવંતકુમાર રાવલ, કૌશલ કિરીટભાઈ પટેલ અને રીમાબેન દિનેશકુમાર સોલંકીને પોલીસે પકડી પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ તમામ આરોપીઓ માત્ર પ્યાદા હોવાનું પોલીસને ધ્યાને આવ્યું છે. આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવા આ કેસની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે. પોલીસે હવે આ આરોપીઓના કોવીડ ટેસ્ટની તજવીજ હાથ ધરી છે. બાદમાં આ આરોપીઓને કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવનાર છે.