મધ્યપ્રદેશથી પતિને મોરબી બોલાવી, પ્રેમી પાસે હત્યા કરાવી લાશ સળગાવી દેવાય હતી : મોરબી એલસીબી અને પેરોલ ફર્લો ટીમે 3 આરોપીઓને ઝડપી લીધા મોરબી : રોજ વાંકાનેર તાલુકાના ધુવા-માટેલ રોડ પર આવેલ એક સિરામિક ફેક્ટરી પાછળ ખુલ્લી જગ્યામાં 27 એપ્રિલે એક અજાણ્યા પુરુષની અર્ધબળેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં અને ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં મૃતકના હાથ પાછળ બાંધેલા હોવાનું ખુલતા આ શંકાસ્પદ બનાવ હત્યાનો હોવાનું માલુમ પડ્યું હતું. તપાસમાં આ હત્યા પાછળ મૃતકની પત્ની, પ્રેમી અને સાસુ હોવાનું ખુલતા પોલીસે ત્રણેયને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ડીવાયએસપીએ વિગતો જાહેર કરતા જણાવ્યું કે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ રેન્જ આઈજી અને મોરબી જિલ્લા પોલીસ વડાની સુચનાથી એલસીબી અને પેરોલ ફર્લો સહિતની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ CCTV કેમેરા અને અન્ય માધ્યમથી તપાસ કરી લાશની ઓળખ મેળવી અને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. મૃતક અજાણ્યો પુરુષ છગન પાંચિયા નિનામા હોવાનું ખુલ્યું હતું, જે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના દાતી ગામનો રહેવાસી હતો.પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે મૃતક છગન તેની પત્ની સાથે મધ્યપ્રદેશમાં રહેતો હતો. પરંતુ તેની પત્ની સુમનને પવન ભવનલાલ નિનામા સાથે પ્રેમસંબંધ હોવાથી તે પતિથી અલગ થઈ પ્રેમી પવન સાથે ઢુંવા ખાતે રહેવા આવી ગઈ હતી. પવન અહીં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. જોકે, ફેક્ટરીનું કામ બંધ થતા પત્ની સુમન પરત પોતાના વતન જતી રહી હતી, પરંતુ મોબાઈલ દ્વારા પ્રેમી પવનના સંપર્કમાં હતી. આ દરમિયાન બંનેએ મળીને છગનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.કાવતરા મુજબ, પત્ની સુમન અને તેની માતા દેવલીબેન (મૃતકની સાસુ) છગનને મોરબી લાવ્યા હતા. પવનના કહેવા મુજબ તેઓ ઢુંવા રોડ પર બાઈકની રાહ જોતા ચાલતા જતા હતા. ત્યારે અવાવરું જગ્યા આવતા પવને પાછળથી આવીને છગનની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા લાશને કચરામાં સળગાવી દીધી હતી. હાલ પોલીસે મુખ્ય આરોપી પવન ભવનલાલ નિનામા, મૃતકની પત્ની સુમન અને સાસુ દેવલીબેન (ગંગારામ ભાલુ ગિરેવાલ) સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#MorbiUpdate #MorbiNews #Wankaner #MurderMysterySolved #CrimeNews #MorbiPolice #LCB #GujaratPolice