રૂ.1.27 લાખના ટેબલ - ખુરશી રાજપીપળા ન પહોંચાડી ગાયબ થઈ જતા ફરિયાદટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ પ્લાસ્ટિકના ટેબલ - ખુરશી બનાવવાના કારખાનેથી આઇસર ટ્રકમાં રાજપીપળા ગામે મોકલવામાં આવેલ જથ્થો આઇસર ચાલકે નિયત જગ્યાએ પહોંચાડવાને બદલે ગાયબ થઈ જતા છેતરપિંડીના આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ એવન પ્લાસ્ટિક ફેકટરીના ભાગીદાર વિનોદભાઈ મહાદેવભાઈ સોરીયા રહે. શનાળા બાયપાસ, નીલકંઠ સોસાયટી મોરબી વાળાએ જીજે - 14 - એક્સ - 8201 નંબરના આઇસર ટ્રકના ચાલક અરજણભાઈ ફાતાભાઈ બારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.14 ફ્રેબ્રુઆરીના રોજ આરોપીના આઇસર ટ્રકમાં કારખાનેથી પ્લાસ્ટિકની 1085 ખુરશી અને 16 સેન્ટર ટેબલ કિંમત રૂપીયા 1,27,525 ભરીને રાજપીપળા ખાતે મોકલ્યા હતા. પરંતુ આરોપીએ ટેબલ - ખુરશીનો જથ્થો નિયત સ્થાને ન પહોંચાડી પોતાના અંગત ફાયદા માટે રાખી લેતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.