20 કલાક બાદ પણ તણાયેલા પતિનો પત્તો ન લાગ્યો, મોટી તરવૈયાની ફોજ અને ફાયરની ટિમ દ્વારા આખી રાત બાદ સઘન શોધખોળ ચાલુ મોરબી : મોરબી નજીક નારણકા અને ખેવરિયા વચ્ચેના રસ્તે આવેલા કોઝવે ઉપરથી ગઈકાલે બાઇક લઈને પસાર થતું દંપતિ પાણીના ડુબ્યુ હતું. જેમાં પત્નીનો બચાવ થયો છે. પણ પતિ હજુ પણ ગઈકાલે સાંજથી રાતભર શોધખોળ કર્યા છતાં પત્તો લાગ્યો નથી. ત્યારે મોટી તરવૈયાની ફોજ અને ફાયરની ટિમ 20 કલાકથી સઘન શોધખોળ કરી રહી છે. મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા રફિકભાઈ હુશેનભાઈ શેખ તથા તેમની પત્ની ગઈકાલે ખેવારીયાથી નારણકા જવાના રસ્તામાં બેઠાણવાળા કોઝવેની પાસે આવેલ તળાવમાં ડૂબ્યા હતા. નીચાણવાળા કોઝવેમાં બાઇક લઇને પસાર થતી વેળાએ મોબાઈલ અને પાકિટ સહિતના સામાનની બેગ પડી જતા લેવા જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે, ગઈકાલે બપોરના સમયે બનેલ આ ઘટનામાં ખેતરમાં કામ કરતા મજૂરે પત્નીને બચાવી લીધી હતી. જ્યારે પતિ રફિકભાઈનો ગઈકાલે સાંજથી રાતભર શોધખોળ કરવા છતાં આજે પણ પતો લાગ્યો નથી. જ્યારે દેરાળાના અગ્રણી અયુબખાને જણાવ્યું હતું કે, ગઈકાલથી ડૂબેલા આ વ્યક્તિને બચાવવા માટે રાતભર ફાયર બ્રિગેડ અને તરવૈયાની ટીમ દ્વારા શોધખોળ કરવા છતાં હજુ લાપતા હોય જે જગ્યાએ ડૂબ્યા હોય ત્યાં 35થી 40 ફૂટ ઊંડો કૂવો હોય આજે પણ 20 તરવૈયા અને ફાયરની ટીમ દ્વારા સઘન શોધખોળ કરવામાં આવી રહી છે અને વધુ સઘન શોધખોળ માટે ઓક્સિજનવાળાની રેસ્ક્યુ ટિમની તંત્ર પાસે માંગણી કરવામાં આવી છે.