મોરબી ફોરેસ્ટ વિભાગની ટીમે બંદૂકના ભડાકા કરી શિકાર કરનારાઓને દબોચી લઈ 21.90 લાખનો મુદામાલ કબ્જે કરી 7 લાખ રૂપિયા દંડની વસુલાત કરી મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં છેલ્લા આઠ દસ દિવસથી રક્ષિત પ્રાણીની શ્રેણીમાં આવતા રોઝડા એટલે કે, નીલગાયનો શિકાર કરવામાં આવતો હોવાની બાતમીને આધારે મોરબી ફોરેસ્ટ વિભાગે વોચ ગોઠવી બંદૂકના ભડાકે બે નીલગાયનો શિકાર કરી મિજબાની માણતા સાત શખ્સોને દબોચી લઇ રૂપિયા 21.90 લાખનો મુદામાલ કબ્જે કરી 7 લાખ રૂપિયા દંડની વસુલાત કરી કડક કાર્યવાહી કરતા ચકચાર જાગી છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબી વનવિભાગને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના સીમ વિસ્તારમાં છેલ્લા આઠ-દસ દિવસથી નિલગાયનો શિકાર થાય છે, જે હકીકતને પગલે મોરબી વન વિભાગના રેન્જનો સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલીંગ શરૂ કર્યું હતું અને પેટ્રોલિંગ દરમિયાન તા.4ના રોજ ફાયરીંગનો અવાજ થતા તે દિશામાં તપાસ કરતા એક નિલગાયના શરીરના અવશેષો તેમજ ચાર ઈસમો રંગે હાથે ઝડપાઈ ગયા હતા. બાદ વધુ તપાસ કરતા વધુ એક નિલગાયના શરીરના અવશેષો તેમજ ત્રણ વ્યક્તિઓ મળી આવેતા આરોપી રમઝાન ઈશાક સામતાણી, રહે. વીસીપરા, મોરબી, સિરાજ ઈશાક સામતાણી, રહે. વીસીપરા મોરબી, મનસુર ઈશાક સામતાણી રહે. વીસીપરા મોરબી, ઇબ્રાહિમ હાસમ કટીયા રહે. વીસીપરા મોરબી, આશિફ મામદભાઈ માણેક રહે. વીસીપરા મોરબી, અબ્બાસ દાઉદ માણેક તથા ઈશાક ફતેમામદ કટીયા રહે. ભોડી વાંઢ, કાજેડા રોડ, માળીયા વાળાઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ સુધારા-2022ની કલમ - 2(16), 2(20), 2(32), 2(36),9,39,50 તથા 51 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.વધુમાં મોરબી રેન્જ ફોરેસ્ટ વિભાગે નીલગાયનો શિકાર કરી મિજબાની માણવાના આ ચકચારી ગુન્હામાં આરોપીઓએ શિકારમાં ઉપયોગમાં લીધેલ ટોયોટા ઈનોવા ક્રિસ્ટા કાર-1, સ્વિફ્ટ કાર -1, મહિન્દ્રા બોલેરો પીક અપ યુટીલીટી -1, હીરો સ્પ્લેન્ડર પ્લસ- 1, હોંડા એક્ટીવા-1 તથા બાર બોર બંદુક-1 સહિત કુલ મળી રૂપિયા 21.90નો મુદામાલ જપ્ત કરી દરેક વ્યક્તિ દીઠ એક લાખ લેખે સાત વ્યક્તિઓની રૂપિયા 7 લાખની એડવાન્સ રીકવરી પણ કરવામાં આવી હતી.આ સફળ કામગીરી કરનાર મોરબી રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.સી. જાડેજા, વનપાલ કાલિકા નગર કે.એમ. જાંબુચા, વનપાલ મોરબી એમ.કે. પંડિત અને વનરક્ષક મોરબી એન.એલ. દુધરેજીયા સહિતના સ્ટાફે કરી હતી.