મંદિરના જીર્ણોદ્ધાર માટે મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે ઈનામી ડ્રો યોજ્યો હતો : ૫૧ હજારનું ઇનામ જીતનાર સદગૃહસ્થે અડધી રકમ દાનમાં આપી હતી મોરબી : મોરબીમાં મણિમંદિર નજીક આવેલ અને 500 વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવતું શંકર આશ્રમનું નીલકંઠ મહાદેવ મંદિર શ્રધ્ધાળુઓમાં અનેરું મહત્વ ધરાવે છે, આ મંદિરનો ઇતિહાસ પણ રસપ્રદ છે, મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે રાજવી પરિવારે ઇસ 1910 માં ઈનામી ડ્રો પણ યોજ્યો હતો. આ શંકર આશ્રમના નામે જાણીતા આ મહાદેવ મંદિરમાં હાલ શ્રાવણ માસમાં ભક્તોની ભીડ જામી રહી છે. મોરબીના મણિમંદિર સામે આવેલ શંકર આશ્રમનું નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ભાવિકોની ભીડ જામી છે, નદી કિનારે સુંદર રમણીય નજારો ધરાવતા આ સ્થળે અગાઉ સાધુઓનો અખાડો હતો બાદમાં અહીં મહાન ભવાદાદાએ સમાધિ લીધી ત્યારે સ્વયંભૂ મંદિર ખૂબ નાનું હતું, બાદમાં ઇસ.1910માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા નક્કી કરાયું હતું અને મોરબીના રાજા વાઘજી ઠાકોર વર્ષ 1910 માં નિલકંઠ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર નાનામાં નાના માણસ સહભાગી બની શકે તે માટે રૂપિયા એકના દરની ઈનામી ટિકિટો બહાર પાડી હતી અને જેટલો લોક ફાળો એકત્રિત થાય એટલી જ રકમ રાજવી પરિવાર તરફથી આપવા જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 1910ના સમય ગાળામાં એ સમયે સવા લાખ ટીકીટ વહેંચાઈ હતી જેમાં ભાગ્યશાળી વિજેતાને રૂપિયા 51 હજારનું ઇનામ આપવા નક્કી કરાયું હતું અને ડ્રો માં એક જૈન સદગૃહસ્થને આ ઇનામ લાગતા તેઓએ ઈનામની અડધી રકમ મંદિરના જીર્ણોદ્ધારમાં આપી દીધી હતી અને આ મંદિરનું નવીનીકરણ થયું હતું. આજે પણ સુંદર રમણીય નજારો ધરાવતા સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિર શંકર આશ્રમમાં બગીચો સહિતની સુવિધા છે જેનું સંચાલન નગરપાલિકા પાસે છે જો નગરપાલિકા અહીં વિકાસ કરી આ જગ્યાને વિકસાવવા પ્રયાસ કરે તો આ મહાદેવ મંદિર હજુ પણ સુંદર બની શકે તેમ છે. જો આ નીલકંઠ મહાદેવ મંદિર બન્યું ત્યારબાદ શંકર આશ્રમના નામે જાણીતું છે. વર્ષથી આ મહાદેવ મંદિર શંકર આશ્રમ તરીકે જ ઓળખાય છે. કોઈ નીલકંઠ મંદિર તરીકે ઓળખાતા નથી. મોરબી અને આસપાસના લોકો શંકર આશ્રમ તરીકે જ ઓળખે છે. શંકર આશ્રમ નામ કેમ પડ્યું તેનો પણ ઇતિહાસ છે. 500 વર્ષ પુરાણાં મંદિરમાં સાધુઓના આખાડા હતા અને સાધુ સંતો મોટી સંખ્યામાં અહીં અલખની ધૂણી ધખાવતા એટલે જ આ મહાદેવ મંદિર શંકર આશ્રમના નામે જાણીતું છે. દર શ્રાવણ માસે અહીં ભક્તોની ભીડ જામેં છે. હાલ શ્રાવણ માસમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય એવી શ્રદ્ધા ધરાવે છે. આ મહાદેવ મંદિર પ્રત્યે લોકોને અતૂટ શ્રદ્ધા છે. એટલે શ્રાવણ માસ સિવાય પણ અહીં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો થાય છે અને હાલ શ્રાવણ માસમાં શિવલિંગને અદભુત શ્રુગાર કરીને આરતી પૂજા અર્ચના કરવામાં આવે છે.