ચિંતાજનક...મોરબી જિલ્લામાં છેલ્લા એક દાયકામાં આ વર્ષે વરસાદની સૌથી મોટી ખાધઆ વર્ષે હળવદમાં 52 મીમી, માળીયા મિયાણામાં 87 મીમી, મોરબી 53 મીમી, ટંકારા 44 મીમી અને વાંકાનેર 45 મીમી વરસાદ નોંધાયો : જિલ્લામાં સરેરાશ માત્ર 9.57 ટકા જ વરસાદ વરસ્યોમોરબી : અલનીનોની અસર હેઠળ ઓણસાલ ચોમાસુ વિલંબિત બનવાની સાથે નબળું રહેવાના અણસાર હવામાન તજજ્ઞો આપી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં આ વર્ષે ચોમાસું અત્યાર સુધી અત્યંત નિરાશાજનક રહ્યું છે. 11 જુલાઈ 2026 સુધીના આંકડા જોતા મોરબી જિલ્લામાં સરેરાશ માત્ર 9.57 ટકા જ વરસાદ નોંધાયો છે જે છેલ્લા એક દાયકામાં સૌથી ઓછો છે. ચોમાસુ ખેંચાતા જિલ્લામાં આગોતરા વાવેતર પર ખતરો ઉભો થવાની સાથે ખરીફ વાવણી પર પણ માઠી અસર જોવાઈ રહી છે.છેલ્લા એક દાયકાના આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો, 11 જુલાઈ સુધીમાં આટલો ઓછો વરસાદ અગાઉ માત્ર વર્ષ 2018માં જ જોવા મળ્યો હતો. 2018માં આ સમયગાળા સુધીમાં માત્ર 7 ટકા વરસાદ પડ્યો હતો, જ્યારે 2026માં 9.57 ટકા નોંધાયો છે. તેની સરખામણીએ, છેલ્લા 10 વર્ષમાં 11 જુલાઈ સુધીના સમયગાળામાં સૌથી વધુ વરસાદ વર્ષ 2017માં 60.35 ટકા નોંધાયો હતો.ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં માળીયા મિયાણામાં સૌથી વધુ 87 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે મોરબીમાં 53 મીમી, હળવદમાં 52 મીમી, વાંકાનેરમાં 45 મીમી અને ટંકારામાં માત્ર 44 મીમી વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016 થી અત્યાર સુધીના સિઝનના કુલ વરસાદની વાત કરીએ તો, મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વર્ષ 2020માં 209 ટકા વરસ્યો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ વર્ષ 2018માં 43.63 ટકા નોંધાયો હતો. હાલમાં વરસાદ ખેંચાતા મોરબી જિલ્લામાં કેનાલ આધારિત સિંચાઈનો લાભ મેળવી આગોતરું વાવેતર કરનાર મોરબી, માળીયા મિયાણા, હળવદ અને ટંકારા પંથકના ખેડૂતોને ઉભો પાક બચાવવાની ચિંતા થઇ રહી છે. સાથે જ વાવણી લાયક વરસાદની કમીને કારણે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. સાથે જ અપૂરતા વરસાદને કારણે જિલ્લામાં પાણીની અછત વર્તાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.