એનઆઇએ દ્વારા તપાસની માંગ કરતી અરજી ફગાવાઈ, સુઓમોટોમા કોર્ટને મદદ કરવા મંજૂરી મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)દ્વારા મેજીસ્ટ્રેટ તપાસની માગણી કરતી પીઆઈએલ ફગાવી દીધી હતી. જો કે, કોર્ટે અરજદારને સુઓમોટો દાખલ કરેલી પીઆઈએલમાં કોર્ટને મદદ કરવાની મંજૂરી આપી હતી. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં સુરતના સંજીવ એઝવાએ મેજિસ્ટેરિયલ તપાસ, સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને રદ્દ કરવા અને દરેક પીડિતના પરિવારને રુપિયા 25 લાખનું વળતર આપવાની માગ કરી હતી. જે પીઆઈએલ હાઇકોર્ટે ફગાવી દઈ કોર્ટને મદદ કરવાની મંજૂરી આપી હતી. ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર અને જસ્ટીસ આશુતોષ શાસ્ત્રીએ કહ્યું કે, આ મુદ્દા પર ગુણાકાર કરવો યોગ્ય નથી. કોર્ટે કહ્યું કે, તેઓએ 31 ઓક્ટોબરે આ મુદ્દાની નોંધ લીધી હતી અને આ અરજદારે 7 ઓક્ટોબરે પીઆઈએલ દાખલ કરી હતી. બેન્ચે અરજદારના એડવોકેટ કે.આર. કોષ્ટીને કહ્યું કે, અરજદારને સોમવારે હાઈકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી સુઓ મોટો પીઆઈએલમાં કોર્ટને મદદ કરવાની મંજૂરી છે. અમે તમારી મદદ લઈશું. તે એક પીઆઈએલ છે અને તેમાં કોઈ પણ જોડાઈ શકે છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ કેસમાં હાઈ કમિટી બનાવીને તપાસ શરુ કરી દેવાઈ છે, જવાબદારો સામે માનવ વધની કલમ લગાવાઈ છે અનેરાજ્ય સરકાર પાસે આગામી તા.14ને સોમવારના રોજ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે.ઉપરાંત રાજ્ય માનવ અધિકાર પંચ પાસેથી પણ રિપોર્ટ માગ્યો છે. મહત્વનું છે કે, મોરબીમાં 140 વર્ષ જૂનો ઝુલતો પુલ તૂટી પડવાથી ઘટનામાં 135 જેટલાં લોકોનાં મોત થયા હતા. જે દિવસે ઝૂલતો પૂલ તૂટ્યો ત્યારે તેના પર 400થી 500 લોકો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઝુલતા પુલનું સમારકામ થયા પછી તેને દિવાળી બાદ નવા વર્ષના દિવસે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તહેવારોની રજા દરમિયાન આ પુલની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને તા.30 ઓક્ટોબરને રવિવારે પુલ તૂટી પડવાની આ ઘટના બની હતી.