52 ગજની ધ્વજારોહણ વિધિ સાથે મહાપ્રસાદમાં ભક્તોને 400 કિલો શુદ્ધ ઘીનો શીરો પીરસાશે : DYSP ના માર્ગદર્શન હેઠળ 3 PI, 20 PSI અને 170 પોલીસ કર્મીઓ તૈનાતમોરબી : મોરબી શહેરમાં આજે અષાઢી બીજના પાવન પર્વે ભરવાડ અને રબારી સમાજના આરાધ્ય મચ્છુ માતાજીની પરંપરાગત રથયાત્રાની શાનદાર શરૂઆત થઈ ચુકી છે. છેલ્લા 22 વર્ષથી યોજાતી આ રથયાત્રા મહેન્દ્રપરા સ્થિત માતાજીની જગ્યાથી પ્રસ્થાન પામી છે અને સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, નહેરૂ ગેટ ચોક તેમજ ગ્રીન ચોક થઈને દરબાર ગઢ ખાતે મચ્છુ નદીના કાંઠે બિરાજતા મચ્છુ માતાજી અને પુનિયા મામાના મંદિરે વાજતે-ગાજતે પહોંચશે.રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના પારંપરિક રાસ અને હુડો ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકો માટે આજે સમાજ તરફથી માતાજીને 52 ગજની ધજા અર્પણ કરવામાં આવશે. માઈભક્તો માટે ફરાળની વ્યવસ્થા સાથે 400 કિલો શુદ્ધ ઘીનો શીરો, સૂકીભાજી અને ચેવડો પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા 200 થી વધુ સ્વયંસેવકો નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. આજથી 22 વર્ષ પહેલાં પ્રાગટ્ય દિવસની ઉજવણી માત્ર 10 થી 15 લોકો જ માતાજીના વાઘા બદલીને અને ધજા ચડાવીને સાદાઈથી કરતા હતા. પરંતુ આજે ભક્તોની અપાર શ્રદ્ધાથી આ ઉજવણીએ એક ભવ્ય રથયાત્રાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.રથયાત્રામાં ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. DYSP ના માર્ગદર્શન હેઠળ 3 PI, 20 PSI તેમજ 170 જેટલા પોલીસ કર્મચારીઓને બંદોબસ્તની ફરજ સોંપવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું અને સીસીટીવી કેમેરા દ્વારા પણ સમગ્ર રૂટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #MachhuMataji #RathYatra #AshadhiBij #MorbiNews #Gujarat