૬ માસ પહેલા મુખ્યમંત્રીએ આપેલા આશ્વાસન અને દિશા-નિર્દેશ બાદ પણ લિઝની સમસ્યાનું નિરાકરણ નહીં : નમક સત્યાગ્રહ સમિતિની આવનારી સામાન્ય સભામાં લેવાશે મહત્વપૂર્ણ નિર્ણય મોરબી : ગુજરાતના મીઠા ઉધોગ માટે માઠા દિવસો પુરા થવાનું નામ નથી લેતા. મીઠાના ઉત્પાદન માટે લિઝથી જમીન આપવા તેમજ પૂર્ણ થયેલી લિઝ રીન્યુ કરાવવા માટે મુખ્યમંત્રી તરફથી આપવામાં આવેલા ઠાલા આશ્વાસનો બાદ હવે નમક સત્યાગ્રહ સમિતિ આક્રમક રીતે આગળ વધી રહી હોવાનું સામે આવ્યું છે. 'નમક સત્યાગ્રહ સમિતિ' દ્વારા આવનારા દિવસોમાં મીઠા ઉદ્યોગ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓ માટે સરકાર પાસે વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ નિષ્કર્ષ ન આવતા આવનારા દિવસોમાં સમિતિ દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવનાર છે, જેમાં આગામી રણનીતિ ઘડી કાઢવામાં આવશે. તાજેતરમાં તારીખ 28 ફેબ્રુઆરીએ લિઝની જમીન આપવા અને જૂની લિઝ રીન્યુ કરવા માટે સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રથી મીઠા ઉધોગની સમસ્યા વધુ જટિલ બની છે અને મુશ્કેલીઓમાં વધારો થાય એવી જોગવાઈઓ ધ્યાને આવતા જાહેર થયેલા પરિપત્રનો વિસ્તૃત અભ્યાસ કરી મીઠા ઉધોગ પર પડનારી સંભવિત માઠી અસરોની ચર્ચા કરવા સામાન્ય સભા બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે સામાન્ય સભાનું સ્થળ અને તારીખ હવે પછી જાહેર કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના કચ્છ, મોરબી-માળીયા મી., જામનગર, ભાવનગર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતના વિવિધ પ્રાદેશિક મીઠા ઉધોગના વિવિધ એસોસિએશન તેમજ રાષ્ટ્રીય એસોસિએશન (ઇસ્મા) દ્વારા મીઠાની લિઝ અને તેને રીન્યુ કરવા અંગે 2011થી લઈને 28/8/19 સુધી વિવિધ તબક્કે મહેસુલ, ઉધોગ તેમજ નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અને છેલ્લે તો ગુજરાતના મુખ્યમંત્રી સાથે બેઠકો અને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં મીઠા ઉધોગની સમસ્યાઓ પ્રત્યે સરકારના પેટનું પાણી હલતુ ન હોવાનો અફસોસ નમક સત્યાગ્રહ સમિતિ દ્વારા વ્યક્ત કરાયો છે.