વર્ષ 1880થી લઈને 1948 સુધી મોરબીના રાજપર ગામે એરપોર્ટ ચાલુ હતું : હવે એરપોર્ટ બનાવવાનું સ્વપ્ન ક્યારે સાકાર થશે, તેના ઉપર મોરબીવાસીઓની મીટ મંડાઈ છે મોરબી : મોરબીવાસીઓ માટે લોકશાહી કરતા રાજાશાહીનું યુગ વધુ સુવર્ણકાળ મનાઈ છે. આજે ટેકનોલોજીનો યુગ હોવા છતાં હજુ વર્ષોથી મોરબીને એરપોર્ટ આપવાના દાવા થાય છે. ત્યારે 1880ની આસપાસ હજુ ટેકનોલોજીનો ઉદય પણ થયો ન હતો. ત્યારે અલ્પ ટેકનોલોજીના યુગમાં પણ મોરબીને આધુનિક બનાવવાના સ્વપ્નદ્રષ્ટા સર વાઘજી ઠાકોરે મોરબીને મોડર્ન સીટી બનાવવાનો પાયો નાખ્યો હતો. તેઓએ સોરાષ્ટ્માં સૌપ્રથમ મોરબીમાં એરપોર્ટની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી અને આઝાદી સુધી મોરબીના રાજપર ગામે ઍરપોર્ટ ચાલુ રહ્યું હતું. મોરબીના પ્રજાવત્સલ રાજવી તરીકે દરેક મોરબીવાસીઓમાં અમીટ છાપ છોડી જનાર અને આધુનિક મોરબીના નિર્માણ માટે સ્વપ્ન જોઈને સાકાર કરવાના ભગીરથ પ્રયાસો કરનાર સર વાઘજી ઠાકોર સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ મોરબીમાં એરોપ્લેન લાવ્યા હતા. રાજાશાહી વખતમાં તા. 25-12-1880ના રોજ મોરબીના રાજપર ગામે તેમણે એરપોર્ટ વસાવ્યું હતું. તે સમયે ડેઇલી મોરબી-અમદાવાદ-મુંબઈ સુધીની એક ફ્લાઇટ ઉપડતી હતી. જેમાં આ ફ્લાઇટનો રૂટ એવી રીતે હતો કે મુંબઇથી રાજકોટ આવે અને રાજકોટથી મોરબી આવે અને મોરબીથી એ ફ્લાઇટ અમદાવાદ જતી. આ ફ્લાઇટ માટે મોરબીની આજની શાકમાર્કેટ પાસે અંબિકા એરલાઇન્સ નામની વિમાની ઓફિસ બનાવીને તેમાં ટિકિટનું બુકિંગ રાખ્યું હતું. આ સ્થળેથી મુસાફરોને જવા આવવા માટે રાજપરના એરપોર્ટ સુધી બસ દોડવામાં આવતી હતી. આઝાદી પછી સૌરાષ્ટ્ર પ્રાંતના તે સમયે મુખ્યમંત્રી બનેલા ઉછંગરાય ઢેબર મોરબીના એરપોર્ટમાં આવ્યા હતા અને તે સમયના રાજવી મહેન્દ્રસિંહજીને મળ્યા હતા. મોરબીના રાજપર ગામે વર્ષ 1948 સુધી એરપોર્ટ ચાલુ હતું. આ સુવિધા છીનવાયા બાદ હવે વર્ષોની મોરબીવાસીઓની અપેક્ષાને પગલે આ મૂળ સ્થળ રાજપર ગામે ફરીથી એરપોર્ટ બનાવવાની ગતિવિધિ તેજ બની છે. એરપોર્ટ બનાવવા માટે ખર્ચની પણ સરકારે મંજૂરી આપી દીધી છે. હમણાં જ નાગરિક ઉડયન વિભાગે મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવવા માટે જમીનનો કબ્જો પણ લઈ લીધો છે. ત્યારે હવે વર્ષો પછી મોરબીવાસીઓનું એરપોર્ટ બનાવવાનું સ્વપ્ન ક્યારે સાકાર થશે તેના ઉપર મીટ મંડાઈ છે. જો કે સોરાષ્ટ્માં સૌપ્રથમ મોરબીમાં સર વાઘજી ઠાકોર એરપોર્ટ લાવ્યા હતા. આથી, તેમના નામ ઉપર જ એરપોર્ટ બનાવવામાં આવે તેવી માંગણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજવી પરિવારે ટેકનોલોજી ઓછી હોવા છતાં મોરબીને આધુનિક સીટી બનાવવા માટે પાયો નાખ્યો છે. આજે ટેકનોલોજી ભરપૂર છે. પણ નેતાઓ ઉદાસીન ન રહ્યા હોય તો આજે મોરબી પણ મેગાસીટીથી કમ ન હોત!