400 જેટલી બાળાઓએ જીવદયા માટે પતંગના દોરા વીણવાની અનોખી ઝુંબેશ ચલાવીમોરબી : મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળાઓ દ્વારા અનોખું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં બાળકોએ જીવદયા માટે 40 કિલો જેટલા પતંગના દોરાની ઘુંચ એકત્ર કરી છે. મકરસંક્રાંતિના દિવસે લોકોએ એકબીજાની કાપેલી પતંગના દોરા રસ્તામાં જ્યાં ત્યાં લટકતા હોય, રખડતાં હોય એના કારણે બાઈક પર જતાં ઘણા બધા લોકોના ગળામાં ઈજા પહોંચતી હોય છે, ઘણા બધા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે. ઉપરાંત પક્ષીઓ અને પશુઓના જીવ પણ આ દોરાના કારણે જોખમાઈ છે. એ બધા દોરા શાળાની 400 જેટલી બાળાઓએ શાળાએ આવતા જતા તેમજ પોતાના રહેઠાણ વિસ્તારમાંથી એકત્ર કરવાનું ઝુંબેશ ચલાવી હતી. જેમાં 40 કિલો જેટલા દોરાની ઘુંચ એકત્ર થઈ છે. આ બધા દોરા કર્તવ્ય જીવદયામાં અર્પણ કરીને શાળાની નાની નાની બાળાઓએ માનવતાનું મહામુલું કાર્ય કરવા બદલ શાળા પરિવારે તેમજ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા તેમજ કર્તવ્ય જીવદયાના કાર્યકર્તાઓએ તમામ બાળાઓને ધન્યવાદ આપ્યા હતા.