અકસ્માતમાં ચાર વ્યક્તિને ઇજા માળીયા : માળીયા- હળવદ નેશનલ હાઈવે ઉપર વાધરવા ગામની નજીક બાગબાન હોટેલ સામે અલ્ટો કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર ઠેકી સામેની સાઈડમાં ચાલી ગઈ હતી અને આઇસર સાથે અથડાતા ચાર વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. માળીયા - હળવદ હાઇવે ઉપર વિચિત્ર અકસ્માત અંગે બહાદુરસિંહ મહિપતસિંહ જાડેજા, રહે-ગામ તલવાણા તા-માંડવી જી-કચ્છ-ભુજ વાળાએ અલ્ટો કાર નંબર-GJ-12-CP-0415ના ચાલક હરદેવસિંહ બહાદુરસિંહ ઝાલા, રહે-ઓધવનગર ભુજ કચ્છ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જાહેર થયા મુજબ ગત તા.21ના રોજ સવારના આશરે પાંચેક વાગ્યાના અરસામા અલ્ટો કારના ચાલકે વાધરવા નજીક હાઇવે ઉપર સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડ ચાલી જતા આઇસર સાથે અથડાતા કારમાં બેઠેલા અનિરૂધસિંહ અને રૂપલબાને શરીરે નાની મોટી સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને અરૂણાબાને ફેકચર જેવી ઈજાઓ પહોંચતા આરોપી કાર ચાલક વિરુદ્ધ પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.