માળિયામાં સાંજે ગુન્હો નોંધાયો અને રાત્રે જ એલસીબી - એસઓજી ટીમે ત્રણ ગઠિયાઓને પકડી પાડ્યા : નકલી પોલીસ બની કામ પાર પાડતા હતા, પાચના નામ ખુલ્યા અમેરિકન ડોલર, 4.5લાખ રોકડા, સોનાના બિસ્કિટ જેવો મુદ્દામાલ અને કિયા કાર કબ્જે કરાઈ મોરબી : લાલચુ હોય ત્યાં ધૂતરા ભૂખે ન મરે ઉક્તિ મુજબ મોરબી અને સુરેન્દ્રનગરના ભેજાબાજ ગઠિયાઓ દ્વારા લોકોને અડધા ભાવે અમેરિકન ડોલર અને સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી લૂંટવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો માળીયા મીયાણા પોલીસ મથકે નોંધાયાની ગણતરીની કલાકોમાં જ મોરબી એલસીબી અને એસઓજી ટીમે મોરબીના ત્રણ ભેજાબાજ ગાંઠિયાને કિયા કાર સહિત 20 લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લઈ આ કરતુતમાં સામેલ સુરેન્દ્રનગર અને મોરબીના પાંચ ઇસમોના નામ ખોલાવવામાં સફળતા મેળવી છે. માળીયા પોલીસ મથકમાં ગઈકાલે સાંજે અડધા ભાવે અમેરિકન ડોલર આપવાની લાલચ આપી કુંભારીયા, લક્ષ્મીનગર ગામના બીપીનભાઇ અરજણભાઇ પરમારને બોલાવી ગઠિયા ગેંગ દ્વારા રૂપિયા 4.5 લાખ લઈ અને ડોલરની ડિલિવરી સમયે જ આ ગેંગના અન્ય માણસો ડુપ્લીકેટ પોલીસ બનીને આવી છેતરપિંડીથી પૈસા ઓળવી લેતા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. બીજી તરફ મોરબી એલસીબી અને એસઓજી ટીમ આવી ગેંગને ઝડપી લેવા સક્રિય બની હતી. દરમ્યાન મોરબી એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એન.બી.ડાભી, લીવ રિઝર્વ પીએસઆઇ પી.જી.પનારાને બાતમી મળી હતી કે, મોરબી વિશિપરામાં રહેતો હાસમભાઇ કરીમભાઇ મોવર તેના સાગરીતો સાથે રાખી લાલ કલરની કીયા કાર લઇ માળીયા તરફ જનાર છે, જેને અગાઉ અનેક વખત અમેરીકન ડોલર તથા સોનાના બીસ્કીટ બતાવી લોકો સાથે ચીટીંગ કરેલ હોય જે હકીકત આધારે વોચ ગોઠવી કિયા કારમાં નીકળેલા મોરબીના હાસમભાઇ કરીમભાઇ મોવરા, મુકેશભાઇ ઉર્ફે લાલો ખેંગારભાઇ રાણવા અને ઇમ્તીયાઝભાઇ યુનુસભાઇ અજમેરી પસાર થતા અટકાવી તલાશી લેતા ત્રણેય ઇસમો પાસેથી રોકડા રૂપીયા, મોબાઇલ ફોન, અમેરીકન ડોલર, પીળી ધાતુના બીસ્કીટ સાથે મળી આવ્યા હતા. વધુમાં પોલીસની સંયુક્ત ટીમની પુછપરછમાં પોપટ બની ગયેલા ત્રણેય ઇસમો તથા પોતાના અન્ય સાગરીતોએ મળી ગઇ તા.૧૭/૧૧/૨૦૨૧ ના રોજ માળીયા મિયાણા તાલુકાના હરીપર ગોલાઇ પાસે બીપીનભાઇ અરજણભાઇ પરમાર રહે. લક્ષ્મીનગર તા.જી.મોરબી વાળાને અમેરીકન ડોલર અડધી કીંમતમાં આપવાના બહારને બોલાવી તેઓને અમેરીકન ડોલરનુ બેઠલ બનાવી તેઓ બંડલ ગણતા હતા ત્યારે પોતાના અન્ય સાગરીતો પોલીસ બની આવી રેઇડ કરી તેઓની પાસેથી રોકડા રૂપીયા સાડા ચાર લાખની રકમ વિશ્ર્વાસધાત છેતરપીંડી કરી મેળવેલ હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય આરોપીઓની વિધિવત અટકાયત કરી મોરબી તાલુકા પોલીસને સોંપી આપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં છેતરપિંડીના આ ચોંકાવનારા બનાવમાં ત્રણેય આરોપીઓએ અન્ય પાંચ ઇસમોની સંડોવણી હોવાની કબૂલાત આપતા મોરબી વિશિપરાના અનવરભાઇ બચુભાઇ જામ, સુરેન્દ્રનગરના સાજીદ મોવર, વઢવાણના સલીમભાઇ, મોરબીના શબ્બીરભાઇ જામનમામદ અને અંજાર કચ્છના મહેબુબભાઇ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુન્હો નોંધી ઉક્ત પાંચેય આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..