ટંકારા (મોરબી અપડેટ) : ટંકારા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા ઉત્સાહસભર વાતાવરણમાં યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે અનેક ચાવીરૂપ નિર્ણયો લેવામાં આવ્યા હતા.સામાન્ય સભા દરમિયાન પાલિકાના મહત્વના સંચાલન માટે કારોબારી સમિતિની સત્તાવાર રચના કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે રશ્મિકાંત દુબરીયાની કારોબારી સમિતિના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. તેમની વરણીને સભ્યો દ્વારા આવકારવામાં આવી હતી અને શહેરના વિકાસ કાર્યોને વેગ મળવાની આશા વ્યક્ત કરી હતી.સભામાં ઉપસ્થિત સભ્યો દ્વારા શહેરની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. નગરપાલિકા વિસ્તારમાં નાના-મોટા તમામ કામોને ઝડપથી પૂર્ણ કરવા અને નવા આયોજનો હાથ ધરવા માટે વિશેષ કવાયત શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.શહેરમાં ઘરવિહોણા લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે 'પ્રધાનમંત્રી આવાસ યોજના'નું યોગ્ય આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. નગરપાલિકા હસ્તગત તમામ સરકારી જગ્યાઓની ચોક્કસ ઓળખ કરી, દબાણો દૂર કરી તેને ખુલ્લી કરાવવા માટેનો મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. 'આગવી ઓળખ' યોજના હેઠળ શહેરના મુખ્ય ગણાતા લતીપર ચોકડીનું સુંદરીકરણ (બ્યુટિફિકેશન) કરી તેને વધુ આકર્ષક બનાવવામાં આવશે. સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ સિસ્ટમ (CCMS): શહેરની તમામ સ્ટ્રીટ લાઈટોનું યોગ્ય સંચાલન થાય તે માટે CCMS (સેન્ટ્રલાઈઝ્ડ કંટ્રોલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ) દ્વારા મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે, જેથી ઊર્જાની બચત થશે અને લાઈટોનું ત્વરિત મેન્ટેનન્સ થઈ શકશે.પાલિકા પ્રમુખ પંકજભાઈ કારેલીયાની અધ્યક્ષતામાં પ્રથમ સામાન્ય સભામાં લેવાયેલા આ પ્રજાલક્ષી નિર્ણયોથી ટંકારા શહેરના વિકાસને નવી દિશા મળશે. ઉપ પ્રમુખ સરોજબેન ખોખાણીએ ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવા માટે એજન્સીના ભાવોને બહાલી આપવા આગામી કારોબારી હેઠળ કાર્યવાહી કરવા સૂચવ્યું હતું.કારોબારી સમિતિમાં બે કો. ઓ. સભ્ય અને 7 ચૂંટાયેલ સદસ્યોને સ્થાન મળ્યું છે. જેમાં આરીફભાઈ ભુંગર, જયદિપકુમાર જાની, મનિષાબેન દંતેસરીયા, મુક્તાબેન મેરજા, નયનાબેન પરમાર, પાયલબેન કુકડીયા, જયેશભાઈ ભટાસણા. આ સિવાય ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી અને રમેશકુમાર કૈલાની કો.ઓ. સભ્ય તરીકે સમિતિમાં વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પાસેથી તમામ પ્રકારની ગ્રાન્ટ ફાળવવાની ખાત્રી આપી પ્રજા કાર્ય માટે તત્પરતા દાખવવા તમામ સભ્યોને ટકોર કરી હતી.