વાવડી રોડ ઉપર ચાર શખ્સોએ જુના ઝઘડાના ખારમાં બે મિત્રોને માર માર્યો મોરબી : સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમા રિલ મુકવા બાબતે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ બે મિત્રોને લોખંડના પાઇપ, લાકડી, ધોકા અને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર કપિલા હનુમાનજી મંદિર પાસે પોતાના ઘર પાસે ફરિયાદી બસીરભાઈ યુસુફભાઈ શાહમદાર અને તેનો મિત્ર વિપુલ દેવસુર બેઠા હતા ત્યારે અલ્ટો કારમાં ધસી આવેલ નવાબ ફતેમહમદભાઈ કટિયા, બાબા સામતાણી, અશરફ સોહીનભાઈ જેડા અને સાજીદ જેડાએ ઇન્સ્ટાગ્રામમા સ્ટોરી મુકવા મામલે આઅગાઉ કેમ મારા મિત્રને માર માર્યો હતો તેમ કહી ઝઘડો કરી વિપુલના માથામાં પાઈપનો ઘા મારવા જતા વિપુલ હાથ આડો રાખી દેતા હાથમાં ઇજાઓ પહોચી હતી. આ ઉપરાંત ચારેય આરોપીઓએ લાકડાના ધોકા પાઇપ તેમજ ઢીકા પાટુનો માર મારતા બન્ને મિત્રોને ઇજાઓ પહોચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે બસીરભાઈ યુસુફભાઈ શાહમદારને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદી તેમજ સાહેદને મારમારી જાનથી મારી નાખવા ધમકી આપવા બદલ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.