મોરબી : મોરબીમાં કોમન મેન ફાઉન્ડેશન આયોજિત તમાકુ મુક્તિ અભિયાનની પાંચમા ચરણની મીટીંગ કચ્છ કડવા પાટીદાર સમાજના નવચેતન યુવક મંડળ દ્વારા યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને બિરદાવવા અને સમાજના યુવાનોને વ્યસન મુક્ત થવા આદર્શ સંદેશ પાઠવતા સમાજના પ્રમુખ હરિભાઈ ભગતે કહ્યું કે, વ્યસન એ કુછંદ છે અને તેનાથી આપણે ધીમે ધીમે આપઘાત કરતા હોઈએ છીએ. સંતાનોના ભવિષ્યને ઉજજવળ બનાવવા વ્યસનથી દૂર રહેવું .સમાજના રતનશીભાઈ સુરાણીએ સમાજને સંસ્કૃતિની યાદ અપાવી કહ્યું હતું કે, જાગ્યા ત્યાંથી સવાર. વ્યસન મુક્ત સમાજ એ જ આદર્શ સમાજ એવું ઉદાહરણ પૂરું પાડીએ. આ મિટિંગમાં મોરબીના વિવિધ શાખાઓના ડોક્ટરોએ સ્લાઈડ શો દ્વારા વ્યસનથી થતી બરબાદી વિશે સચોટ વૈજ્ઞાનિક માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું. ડો. પ્રેયસ પંડ્યા, ડો. વિજય ગઢિયા, ડો. વિપુલ કોટેચા, ડો. ભવ્ય ભાલોડિયા અને ડો. ભાવિન ગામી વગેરેએ અસરકારક વક્તવ્યો આપી યુવાનોને વિચાર મંથન કરવા પ્રેરિત કર્યા . તમાકુનું વ્યસન છોડ્યા બાદ જો કોઈ શારીરિક કે માનસિક સમસ્યા સર્જાય તો કોમનમેન ફાઉન્ડેશન તેની સારવાર નો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે તેવી બાંહેધરી કોમનમેન ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા આપવામાં આવી. કચ્છી સમાજના આ નવચેતન યુવક મંડળના પ્રમુખ કલ્પેશ ભાઈ પોકારે આયોજન કર્યું અને આદર્શ સમાજને હજુ પણ વિશેષ આદર્શ નમૂના રૂપ સમાજ ઘડીએ તેવી અપીલ કરી.