૪ યુગલો પ્રભુતામાં પગલા પાડશે, સંતો-મહંતો, સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે મોરબી : ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ તથા પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા આગામી તા.26/5/2022ને ગુરુવારના રોજ સાંજે જે.પી. ફાર્મ પાર્ટી પ્લોટ, ઓરપેટ અજંતાની સામે, રાજકોટ-મોરબી હાઇવે, મોરબી ખાતે પાંચમો સમુહ લગ્ન મહોત્સવ યોજાશે. આ સમૂહ લગ્નોત્સવમાં ચાર યુગલો પ્રભુતામાં પગલા માંડશે. સત્કાર સમારંભમાં સંતો-મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. સમૂહ લગ્નોત્સવમાં સાંજે 4:00 કલાકે ગણેશ સ્થાપના, 4:30 કલાકે જાન આગમન, 6:00 કલાકે સન્માન સમારોહ, 6:30 કલાકે હસ્તમેળાપ, 7:00 કલાકે ભોજન પ્રસાદ તથા 8:30 કલાકે જાનને વિદાય આપવામાં આવશે. દાતાઓનો સન્માન સમારોહ 6:00 વાગ્યે તેમજ મહેમાનોનો સન્માન સમારોહ સાંજે 7:30 કલાકે યોજાશે. આ પ્રસંગે પૂજ્ય વિજયબાપુ-સતાધાર, પૂજ્ય વાસુદેવ મહારાજ-પીપળીધામ, પૂજ્ય શિવરામદાસજી-મોરબી, પૂજ્ય દલસુખ મહારાજ-હળવદ, પૂજ્ય મુકતાનંદબાપુ-ચાપરડા વગેરે પધારી આશીર્વચન પાઠવશે. આ શુભ અવસરે ગુજરાતી ફિલ્મ અભિનેતા કોમેડી એક્ટર મયુર બાપા તથા લલિત મંડલી મનોરંજન પીરસશે. શાસ્ત્રી હાર્દિકભાઈ પંડ્યા લગ્નવિધી કરાવશે. દીકરીઓને ચાંદીનું મંગલસૂત્ર, સાંકળા, તુલસી ક્યારા, ગાયવઉપરાંત રસોડા સેટ, કબાટ, ગાદલા, ઓશીકા, રજાઈ સહિત 115થી વધુ ચીજવસ્તુઓ કરીયાવર રૂપે ભેટમાં અપાશે. આ અવસરે ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સાંસદો, ધારાસભ્યો, નગરપાલિકાના આગેવાનો સહિત અનેક રાજકીય-સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.