ત્રણેય ગામોના 40 ટકા જેટલા ખેતરોમાં અંદાજે 1000 વિઘા જમીન પાણીમાં, ખેડૂતોને મોટાપાયે નુકસાની : તાત્કાલિક સર્વે કરાવીને વળતર ચૂકવવાની માંગ મોરબી : ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા માળીયાના સુલતાનપુર, ચીખલી અને વરડુસર ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતોને મોટાપાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.આ મામલે અગ્રણી ભાવેશભાઈ વિડજાએ જણાવ્યું કે ઘોડાધ્રોઈ ડેમ સો ટકા ભરાઈ જવાથી અને ત્યારબાદ એકસાથે પાણી છોડવામાં આવતાં સુલતાનપુર, ચીખલી, વરડુસર ગામનાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ગામના 40 ટકા ખેતરોની અંદાજે 1000 વિઘા જેટલી જમીન હાલ પાણીમાં ગરકાવ છે. જેના કારણે ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે. કપાસ, સોયાબીન જેવા પાકો છે તેનો ફાલ ખરી જશે. અંદાજે 50 ટકા જેવી નુકસાની થશે. વરસાદને કારણે કોઈ નુકસાની નથી. ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેનાથી નુકસાની સર્જાઈ છે. ચીખલી પાસે નદી બુરાઈ ગઈ છે. તેને સાફ કરાવવા અગાઉ રજૂઆતો કરી હતી પણ તેનું કોઇ પરિણામ આવ્યું નથી.