ડુંગળી પર નિકાસબંધી અને વેપારીઓની સંગ્રહખોરીને કારણે વગર વાંકે ખેડૂતોને ડામ પડ્યો હોવાનો સુરમોરબી : હાલ ડુંગળીની નિકાસબંધી સામે ગુજરાતભરમાં ખેડૂતોનું જબરજસ્ત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરતા મોરબી તાલુકાના ખેડૂતોએ ડુંગળીના ભાવો અને નિકાસબંધી મામલે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો છે અને વેપારીઓની સંગ્રહખોરીને કારણે જ ખેડૂતોને વગર વાંકે ડામ સહન કરવો પડતો હોવાની હૈયાવરાળ ઠાલવી છે.મોરબી તાલુકાના પાનેલી ગામના ખેડૂત ગૌતમભાઈ હડિયલે જણાવ્યું હતું કે, અમારા ગામમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. આ વખતે પણ ડુંગળીનું તેમના ગામમાં 60 ટકા જેવું વાવેતર થયું છે. મોરબી જિલ્લામાં સૌથી વધુ કપાસ અને મગફળી જેવા પાકોનું વાવેતર થાય છે અને ડુંગળીનું બહુ ઓછું ઉત્પાદન થાય છે અમુક ગામોના જ ખેડૂતો ડુંગળીનું ઉત્પાદન કરતા હોય મોટાભાગના ખેડૂતોને સરકારની ડુંગળી પર નિકસબધીની બહુ ઓછી અસર થઈ છે. પણ અમારા જેવા ઘણા ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હોય તેને અસર થઈ રહી છે. સરકારનો નિર્ણય ગેરવાજબી છે. કારણ કે મોંઘા બિયારણ અને વાવેતર માટે બહુ જ ખર્ચ કર્યો હોય ત્યારે ડુંગળીના પડતર ભાવ પણ ન મળે તો ખેડૂતોને મોટો માર પડે છે.વધુમાં જણાવ્યું હતું કે, ડુંગળીનું હાલ માર્કેટ સાવ ડીમ છે. ડુંગળી ફેંકી દેવી પડે એવા સાવ નીચા ભાવ મળે છે. ઉપરથી સરકારનો આ નિર્ણય ખેડૂતોને પડ્યા પર પાટુ પડી હોય એવી હાલત છે. ડુંગળીનું ઉત્પાદન થાય એટલે બે ચાર દિવસમાં જ વેચી નાખવી પડે નહિતર ડુંગળી સડી જાય. એટલે ડુંગળી ફરજિયાત જેટલા ભાવ મળતા હોય આટલા ભાવે નુકસાન વેઠીને પણ વેચવી પડે છે. સરકારના આ નિર્ણય પાછળ વેપારીઓની મોનોપોલી જવાબદાર છે. વેપારીઓએ ખેડૂતો પાસેથી ડુંગળી લઈ લીધા બાદ સંગ્રહખોરી કરતા ડુંગળીની અછત થવાથી ભાવ વધતા નાના વર્ગને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. પણ હકીકતમાં જેણે ડુંગળીની આવી સ્થિતિ પેદા કરી એ વેપારીઓ સામે સરકારને કાર્યવાહી કરવી જોઈતી હતી. એના બદલે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જો કે તેમના ગામમાં હજુ ડુંગળીનું વાવેતર થયું હોય બજારમાં થોડા સમય લાગશે પણ તેમની ડુંગળી બજાર આવવાની હોય અને ત્યારે પણ આવી જ ગંભીર પરિસ્થિતિ રહેશે તો નુકસાન ભોગવવું પડશે તેવું તેમણે જણાવ્યું છે.