10 ઓગસ્ટ - વિશ્વ સિંહ દિવસઃ જંગલનો રાજા ખેડૂતોનો શ્રેષ્ઠ મિત્ર બની રહે છેમોરબી : વિશ્વભરમાં દર વર્ષે તા. 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ ઉજવાય છે. “સિંહ માણસનો અને માણસ સિંહનો મિત્ર છે” – ગીરના જંગલમાં બોલાતી આ કોઈ સામાન્ય ઉક્તિ નથી, પણ સદીઓથી જીવાતી હકીકત છે. ગીરના લોકો સિંહ સાથેઅને અને સિંહ ગીરના લોકો સાથે સદીઓથી સુમેળથી જીવી રહ્યા છે.સિંહ એ જંગલી પ્રાણી કે જંગલનો રાજા માત્ર નહીં, પણ માનવ-જીવન, સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. શકુંતલા પુત્ર ભરતે સિંહબાળના દાંત ગણ્યાનો મહાભારતના આદિપર્વનો પ્રસંગ તથા પુરાણમાં આવતી ભગવાન નૃસિંહની કથા આ જ વાતની પ્રતીતિ કરાવે છે. સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે ૧૦મી ઓગસ્ટે ‘‘વિશ્વ સિંહ દિવસ’’ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં રમાયેલી નેશનલ ગેમ્સમાં મેસ્કોટ તરીકે “સાવજ” જ્યારે મેઈક ઈન ઈન્ડિયાના લોગોમાં પણ સિંહનું ચિત્ર મુકવામાં આવ્યું છે. જે સિંહની લોકપ્રિયતાનો પુરાવો છે.ગુજરાતમાં આઝાદી પૂર્વે એક સમયે જૂજ સંખ્યામાં પહોંચી ગયેલા સિંહની વસતી હવે વધી રહી છે. વર્ષ ૨૦૨૦ની ગણતરી મુજબ, ગુજરાતમાં સિંહની વસતી ૬૭૪ થઈ છે. સિંહ હંમેશા નવા નવા વિસ્તારો શોધતો રહે છે. રાજકોટ-મોરબી જિલ્લાનો સંયુક્ત વન વિસ્તાર ૩૫ હજાર હેક્ટર છે. આ વિસ્તારમાં કોઈ સિંહ પરિવારનો કાયમી વસવાટ નથી. પણ વિચરણ કરતા સિંહો અહીં આવી ચઢતા હોય છે ખરા, પરંતુ ફરી પાછા મૂળ વિસ્તારમાં જતા રહે અથવા તો ટ્રેકર(સિંહનો પીછો કરનાર) વળાવી દે છે. સિંહ ક્યારેય માણસ પર હુમલો નથી કરતો, તેનું મારણ નથી કરતો. ગીરના જંગલમાં ખેડૂતો, માલધારીઓ, લોકો સિંહ સાથે સહજીવનથી ટેવાઈ ગયા છે. પરંતુ રાજકોટ જિલ્લાના લોકો માટે હજુ સ્થિતિ નવી છે. આથી સિંહ દેખાય તો તેઓ ચિંતિત થઈ જાય છે કે ગભરાઈ જાય છે. દરેક ખેડૂતને ખેતરના પાકની ચિંતા હોય છે. આજે નીલગાયની સંખ્યા વધી છે. નીલગાય અને જંગલી ભૂંડ ખેતરોમાં ઘુસીને ઊભા પાકને નુકસાન પહોંચાડતા હોય છે, પરંતુ જે ખેતરોમાં સિંહની અવરજવર હોય ત્યાં આ બંને પ્રાણી ફરકતા નથી. તેઓ સિંહની ગંધથી જ દૂર રહે છે. આમ સિંહના કારણે વાડી-ખેતરના રક્ષણ થાય છે. સિંહ ક્યારેક પાલતુ પશુના શિકાર કરે છે પરંતુ આ કુદરતી ક્રમ છે.સિંહ સામાન્ય રીતે નવા સીમાડાઓ શોધતા રહે છે. પછી ધીમે ધીમે તેના વસવાટનો વિસ્તાર વિકસે છે. હાલ દરિયાઈ પટ્ટીમાં ગાંડા બાવળ જોવા મળે છે, તે સિંહને સંતાવા માટે તથા વિસામા (હાઇડિંગ એન્ડ રેસ્ટિંગ)ના સલામત સ્થળ તરીકે જોવામાં આવ્યા છે. ૧૦મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે “સિંહ માનવનો મિત્ર છે” એ સમજીને “માણસ પણ સિંહનો મિત્ર” બનીને તેના જતન-સંવર્ધનમાં સહભાગી બને એ જરૂરી છે.