નગરપાલિકામાં 25 વર્ષથી ભાજપનું શાસન, ફરી એકવાર શહેરીજનોએ 'કમળ' પર મારી મહોર : વર્ષો બાદ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો કબ્જો વાંકાનેર : વાંકાનેર નગર પાલિકામાં છેલ્લા 25 વર્ષ થી ભાજપનું શાસન છે. જેનો સીધો અર્થ છે વાંકાનેરની પ્રજા 25 વર્ષ થી ભાજપને સતા પર બેસાડે છે અને આ ચુંટણીમાં પણ ફરી એક વાર ભાજપને વાંકાનેર શહેરનો વિકાસ વિસ્તારવા સતા સોંપી છે ત્યારે હવે ચૂંટાયેલા નગરસેવકોએ પણ ગંભીર બની પ્રજાની અપેક્ષા મુજબના કામો કરવા પડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોમેર કમળ ખીલી ઉઠયું છે, વાંકાનેર નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનાં ઉમેદવારો વિજયી બન્યા છે, 7 વોર્ડની 28 બેઠકોમાં 24 બેઠકો પર ભાજપ અને 4 બેઠકો પર બસપાના ઉમેદવારો વિજયી જાહેર થયા છે જ્યારે કોંગ્રેસનો ગઢ મનાતી તાલુકા પંચાયતમાં પણ 24 બેઠકમાં થી 13 બેઠકો પર ભાજપ અને 11 પર કોંગ્રેસ વિજેતા જાહેર થતાં આ ચુંટણીમાં કોંગ્રેસ ગઢનાં કાંગરા ભાજપે ખેરવી નાખ્યા છે. વાંકાનેર નગર પાલિકામાં ભાજપના અમુક નવયુવાન નવા નગર સેવકો જીવનની પ્રથમ ચુંટણી જ જીતી ગયા છે ત્યારે વાંકાનેરનાં શહેરીજનોએ તેમના પર મુકેલ વિશ્વાસને નવા નગર સેવકો જાળવી રાખે અને પોતાની આગવી સૂઝબુઝથી પોતાના વિસ્તારોનાં બાકી અને જરૂરી તમામ કામો કોઈ પણ પ્રકારનાં રાગ દ્વેષ વિના શરૂ કરવા અત્યારથી જ કમર કસે તેવી અપેક્ષા શહેરીજનો રાખી રહ્યા છે. જેમ કે હજુ પણ વાંકાનેર શહેરના અમુક વિસ્તારોમાં સિમેન્ટ રોડ બાકી છે,શહેરમાં લાંબા સમયથી સીસીટીવી કેમેરાની શહેરીજનો માગ કરી રહ્યા છે. શહેરમાં એક પણ બાગ બગીચો કે બાલ ક્રીડાંગણ નથી, સ્ટેચ્યુ સર્કલમાં વર્ષોથી ફુવારા બંધ છે, શકય હોય તો પેડક વિસ્તારને જોડતો સાંકડો પુલ પહોળો કરવામાં આવે તો એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો પસાર થઈ શકે અને આ વિસ્તાર માટે પણ ખૂબ ઉપયોગી થઈ શકે. Baps સ્વામિનારાયણ મંદિર પાસે સ્પીડ બ્રેકર જરૂરી છે, મુખ્ય બજાર માં ટ્રાફિક પ્રશ્નનો કાયમી ઉકેલ શોધવો. ત્યારે વાંકાનેર શહેરનાં જરૂરી તમામ કામોને પ્રાધાન્ય આપવા નવા નગર સેવકો અત્યારથી જ કમર કસે અને પોતાના પર શહેરીજનોએ મુકેલ વિશ્વાસને યથાવત રાખશે તેવી આશા નગરજનો પોતાના ઉમેદવારો પાસે રાખી રહ્યા છે.