નેકનામના ખેડૂતની રજૂઆત બાદ ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામકે મોરબી જિલ્લા રજિસ્ટ્રારને પત્ર લખી કાર્યવાહી કરવા આપ્યા નિર્દેશટંકારા : ટંકારા તાલુકા મથકે આધુનિક સુવિધાઓ ધરાવતું નવું માર્કેટિંગ યાર્ડ (APMC) શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામક કચેરી દ્વારા આ અંગે મોરબી જિલ્લા સહકારી મંડળીઓના નાયબ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રારને જરૂરી કાર્યવાહી કરી ચેકલિસ્ટ મુજબ દરખાસ્ત મોકલી આપવા આદેશ કરવામાં આવ્યો છે. ખેડૂતોને પાક વેચવા જવું પડતું હતું રાજકોટ કે મોરબીટંકારા તાલુકો સંપૂર્ણપણે કૃષિ આધારિત વિસ્તાર છે અને મોટા પ્રમાણમાં ખેડૂતો ખેતી સાથે જોડાયેલા છે. અહીં કપાસ, મગફળી, જીરૂં, ઘઉં, તલ, ચણા અને રાયડો જેવા પાકોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. પરંતુ તાલુકા મથકે સુવિધાવાળું માર્કેટિંગ યાર્ડ ઉપલબ્ધ ન હોવાના કારણે ખેડૂતોને પોતાની પેદાશ વેચવા માટે છેક મોરબી અથવા રાજકોટ સુધી જવું પડતું હતું. આ કારણે ખેડૂતોને પરિવહન ખર્ચ વધી જવાની સાથે સમય અને શ્રમનો વ્યય થતો હતો, તેમજ નાના અને મધ્યમ ખેડૂતોને યોગ્ય ભાવ મેળવવામાં મુશ્કેલી પડતી હતી.PG પોર્ટલ પર કરવામાં આવી હતી રજૂઆતઆ બાબતે ટંકારા તાલુકાના નેકનામ ગામના રહેવાસી મયુર વશરામભાઈ હાલપરા દ્વારા PG પોર્ટલ પર તા. 19-06-2026 ના રોજ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ટંકારા ખાતે ખેડૂતોને સીધો લાભ મળે અને આધુનિક યાર્ડ બને તે માટે યોગ્ય આયોજન કરવા માંગ કરવામાં આવી હતી.ગાંધીનગરથી વહેલી તકે દરખાસ્ત મોકલવા આદેશમયુર હાલપરાની આ રજૂઆતને ધ્યાને રાખીને ગાંધીનગર ખાતેથી ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામક કચેરી દ્વારા તા. 20-07-2026 ના રોજ પત્ર લખીને મોરબી નાયબ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રારને સૂચના આપવામાં આવી છે. ટંકારા ખાતે નવું માર્કેટિંગ યાર્ડ સ્થાપવા બાબતે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી, ચેકલિસ્ટ મુજબ જરૂરી દરખાસ્ત મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. સરકારના આ હકારાત્મક વલણથી ટંકારા તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે અને વહેલી તકે માર્કેટિંગ યાર્ડનું નિર્માણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.#MorbiUpdate #Tankara #APMC #MorbiNews #GujaratFarmers #TankaraAPMC #AgricultureNews #Morbi