વિધવા સહાય યોજના માટે અરજી કરનાર વૃધ્ધાને શોઘવા મામલતદારે આખી ઓફિસ કામે લગાડી સહાય પોહચાડી મોરબી : મોરબી તાલુકા મામલતદાર કચેરીમાં કોઈપણ અરજદારનું કામ માનવતાભર્યા અભિગમથી કરવામાં આવી રહ્યું છે અગાઉ જરૂરિયાતમંદ પરિવારને ઘેર જઈ આધારકાર્ડ આપવાની કામગીરી કરી જનતા સરકારનું ઉદાહરણ પૂરું પાડનાર તાલુકા મામલતદાર મહેતાની રાહબરી હેઠળ તાજેતરમાં વિધવા સહાય માટે અરજી કરનાર વૃધ્ધા સરનામે મળી ન આવતા અરજી દફ્તરે કરવાને બદલે આ વૃધ્ધાને શોધવા આખી કચેરીને કામે લગાડી આખરે વૃધ્ધાને શોધી આ યોજનાનો લાભ અપાવ્યો હતો. આપણે ત્યાં સરકારી કચેરીમાં સામાન્ય રીતે અરજદારો દ્વારા કોઇ અરજી કરવામાં આવે તો અરજી કર્યા બાદ તેઓની અરજી અન્વયે શું કાર્યવાહી કરવામાં આવી ? તે અંગે અરજદારોને સરકારી કચેરીઓમાં અવાર નવાર પુછપરછ માટે જવું પડે છે. પરંતુ મોરબી તાલુકા, મામલતદાર કચેરીમાં આનાથી તદ્દન ઉલ્ટો ઘાટ જોવા મળેલ જેમાં એક અરજદાર વૃધ્ધાને શોઘવા આખી ઓફિસ કામે લાગી હતી.મોરબીના ત્રાજ૫ર ગામના વયોવૃઘ્ઘ અરજદાર કોળી ગૌરીબેન લાલજીભાઇએ નિરાઘાર વિઘવા સહાયનો લાભ મળવા માટે તા.16-09-2022ના રોજ મામલતદાર કચેરી, મોરબી તાલુકામાં અરજી કરેલ અને અરજીમાં તેઓએ પરશુરામ પોટરીનું સરનામું દર્શાવ્યું હતું. જો કે, પરશુરામ પોર્ટરીના સરનામે જઇ કર્મચારીઓ દ્વારા તપાસ કરતા અરજદાર વૃધ્ધા મળી આવેલ નહોતા. સામાન્ય રીતે આવા કિસ્સામાં અરજદાર મળી આવતા ન હોવાથી આજુ-બાજુ વાળાનું પંચરોજકામ કરી અરજી દફતરે કરવામાં આવતી હોય છે એટલે કે કોઈ નિર્ણય કર્યા વગર અરજી પરની કાર્યવાહી બંધ કરવામા આવતી હોય છે. ૫રંતુ મોરબી તાલુકા મામલતદાર નિખીલ મહેતા પાસે સ્ટાફએ આ અરજી રજુ કરતા અરજી દફતરે કરવા ને બદલે માનવીય અભિગમ દાખવી વયોવૃઘ્ઘ અરજદારને શોઘવા આદેશ આપેલ. બીજી તરફ અરજીમાં જણાવેલ સરનામે તેઓના ઘરની હાલત અતિ બિસ્માર હોવાથી મામલતદાર મોરબી તાલુકાના માર્ગદર્શન હેઠળ મહેસુલી તલાટી, ત્રાજ૫ર એસ.વી. રાઠોડ તથા સ્થાનિક સોર્સ દ્વારા અરજદારને શોઘવાના પ્રયત્નો ચાલુ કરેલ હતા. વધુમાં ગુજરાત વિઘાનસભા સામાન્ય ચૂંટણી-2022ની કામગીરી ચાલતી હોવા છતાં પ્રયત્નો ચાલું રાખવામાં આવેલ અને આ અરજદાર વૃધ્ધા વૈભવ હોટલ, લખઘીરપુર આસ-પાસની ઓરડી વિસ્તારમાં રહેતા હોવાનું શોઘી કાઢી, અરજી અન્વયેના અઘુરા સાઘનિક કાગળો પુરા કરાવી છેવાડાના જરૂરીયાતમંદ લોકો સુઘી સરકારની યોજનાનો લાભ પહોંચાડવાના ગુજરાત સરકારના સુશાસનના ઉદ્દેશ્યોને સિઘ્ઘ કરતો સહાય મંજુરી હુકમ તા.03-01-2023 ના રોજ કરી, અરજી કર્યા તારીખથી સહાય મંજુર કરવામાં આવેલ હતી.