શહેરમાં 500થી વધુ નદીઓ છુટા ફરી રહ્યા હોવાનો અંદાજમોરબી : મોરબી શહેરમાં બિસ્માર રસ્તાઓ, ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા અને ઉભરાતી ગટરો વચ્ચે શહેરીજનોને ઢીંકે ચડાવતા રસ્તે રઝળતા ઢોરની સમસ્યા સતાવી રહી છે. મોરબી કોર્પોરેશન દ્વારા છેલ્લા બે મહિના જેટલા સમયથી શહેરમાં ઢોર પકડવાનું બંધ કરી દેતા હાલમાં શહેરના તમામ મુખ્યમાર્ગો ઉપરાંત સોસાયટી વિસ્તારમાં છૂટથી ફરી રહેલા રખડતા ઢોરને કારણે શહેર ગોકુળીયુ ગામ બની ગયાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. જો કે, ઢોરના ત્રાસ અંગેની ફરિયાદોનો ધોધ વછૂટતાં અંતે ગઈકાલથી કોર્પોરેશને ફરી ઢોર પકડવાનું શરૂ કરતા લોકોને હવે આખલા યુદ્ધના દ્રશ્યો અને વાહનોમાં નુકશાન તેમજ ઢીંકે ચડવાની દહેશતથી મુક્તિ મળવાની આશા સેવાઈ રહી છે.નગરપાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ મોરબીના શહેરીજનોને મેટ્રોસિટી આધુનિક સવલત મળવાની આશા હતી પરંતુ છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કોર્પોરેશનના સત્તાધીશો સારા રસ્તા, ઉભરાતી ગટરની સમસ્યાનો ઉકેલ પણ નથી લાવી શક્યા સાથે જ રસ્તે રઝળતા ઢોરની સમસ્યા પણ હલ નહીં કરી શકતા હાલમાં શહેરમાં જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે.આશ્ચર્ય તો એ વાતનું છે કે, આંતરિક શેરી ગલીઓની સાથે જ મુખ્ય રાજમાર્ગો પર પણ ઢોર અડિંગો જમાવીને બેસી મન પડે ત્યારે યુદ્ધે ચડતા હોય આખલા યુદ્ઘની સ્થિતિમાં લોકોને ઢોરના ત્રાસથી જાહેરમાર્ગો પરથી પસાર થવામાં અને વાહનો પાર્ક કરવામાં પણ ઢીકની બીકથી શારીરિક આર્થિક નુક્શાનની ભીતિ અનુભવાઈ રહી છે.હાલમાં મોરબી શહેરના વાવડી રોડ, પંચાસર રોડ, શનાળા રોડ, રવાપર રોડ, શોભેશ્વર રોડ, મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચાર રસ્તા, મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ, લીલાપર રોડ, લીલાપર કેનાલ રોડ,નવલખી રોડ,મોરબી -બાયપાસ રોડ તેમજ સામાકાંઠા વિસ્તારના સો ઓરડી સહિતના માર્ગો પર ઢોરના અડિંગાને કારણે અહીં આખલા યુદ્ધના દ્રશ્યો રોજિંદા બની ગયા છે. એક અંદાજ મુજબ હાલમાં શહેરમાં 500થી વધુ ઢોર ખુલ્લેઆમ આટાફેરા કરી રહ્યા છે. જો કે,શહેરીજનોની ફરિયાદ બાદ નંદીઘરનું સંચાલન પોતાના હસ્તક લેનાર કોર્પોરેશન દ્વારા સોમવારથી ફરી ઢોર પકડવાનું શરૂ કરવામાં આવતા શહેરીજનોને ઢોરના ત્રાસથી મુક્તીની આશા સેવાઈ રહી છે.કોર્પોરેશનના નંદીઘરમાંથી 600 ઢોર અન્ય ગૌશાળામાં મોકલાયા મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસમાંથી મુક્તી આપવા મહાનગર પાલિકા દ્વારા પંચાસર રોડ પર નંદીઘર નિર્માણ કરવામાં આવ્યું છે.અહીં શહેરમાંથી પકડી 900 જેટલા નંદીઓને રાખવામાં આવ્યા હતા. જેમાંથી 600 થી વધુ ગૌવંશને ભચાઉ, ધ્રાંગધ્રા, રાજકોટ, મોરબી સહિતની જગ્યાએ પાંજરાપોળ અને ગૌશાળામાં મોકલી દેવામાં આવ્યા છે. સાથે જ છેલ્લા એક મહિનામાં અહીં 80 જેટલા ગૌવંશના મૃત્યુ થતા હાલમાં 220 જેટલા ગૌવંશ રાખવામાં આવ્યા છે.જેથી હવે નંદીઘરમાં પશુઓ માટે રાખવાની જગ્યા ઉપલબ્ધ થતા ફરી ઢોર પકડવાનું શરૂ કરવામાં આવ્યું છે.સંચાલનમાં બેદરકારી સબબ એજન્સીનો કોન્ટ્રાકટ રદ મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલ મહાનગર પાલિકા સંચાલિત નંદીઘરના સંચાલન માટે પશુબા ટ્રસ્ટને સંચાલન સોંપવામાં આવ્યું હતું. જો કે, એજન્સી દ્વારા જીવદયાને બદલે અબોલજીવને દુઃખી કરવામાં આવતા હોવાના ઘાટ વચ્ચે કોંગ્રેસ અને ગૌરક્ષકો દ્વારા અનેક ત્રુટીઓ ઉજાગર કરવામાં આવતા કોર્પોરેશને કોન્ટ્રાકટ રદ કરી નાખી તા.7 જુલાઈથી નંદીઘરનું સંચાલન પોતાના હસ્તક લઈ લીધું છે. મહત્વનું છે કે, અહીં એજન્સીની બેદરકારીને કારણે અનેક ગૌવંશના મૃત્યુ થતા ખુદ ભાજપના નગરસેવકે પણ ખુલીને લડત આપી એજન્સીઓની ખામીઓ ઉજાગર કરતા નંદીઘર સંચાલન માટે નવી સમિતિની રચના પણ કરવામાં આવી છે. નંદીઘરમાં નવો શેડ, ગમાણ સહિતની સુવિધા વિકસાવવામાં આવી મોરબી નંદીઘરનું સંચાલન પોતાના હસ્તક લીધા બાદ મહાનગરપાલિકા દ્વારા અહીં આશ્રય લઈ રહેલા ગૌવંશ માટે દર અઠવાડિયે વેટરનીટી ડોકટર વિજીટ નક્કી કરી નંદીઘરની વ્યવસ્થિત રોજિંદી સાફ સફાઈ કરવાંમાં આવી રહી છે.સાથે જ 9 કર્મચારીઓને વિવિધ કામગીરી સોંપવામાં આવી છે.ઉપરાંત નંદીઘરમાં 7200 ફૂટથી વધુ મોટો નવો સેડ બનાવવાનું કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.જેમાંથી 1200 ફૂટનો શેડ બીમાર પશુઓ માટે લાયદો રાખવામાં આવશે. સાથે જ 100 - 100 ફૂટની ચાર ગમાણ બનાવવામાં આવી છે.અહીં આશ્રય લઈ રહેલા ગૌવંશ માટે દરરોજ 100 મણ લીલો ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. સમગ્ર ખર્ચ દાતાઓ અને મહાનગરપાલિકા દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.