ત્રણ માળના કારખાનાના બે માળની આગ બુઝાવીને હાલ ત્રીજા માળે આગ ઓલાવવાના પ્રયાસો ચાલુ, આગમાં લાખોનો માલ બળીને ખાખ મોરબી : મોરબી શહેરના ઘડિયાળ ઉદ્યોગના હબ ગણાતા લાતીપ્લોટમા આજે વહેલી સવારે ઘડિયાળના કારખાનામાં આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયર બ્રિગેડ દ્વારા મોરચો સાંભળી આગ બુઝાવવા પ્રયાસો હાથ ધરાયા હતા. જો કે આ એટલી ભીષણ હતી કે ત્રણ માળનું ઘડિયાળનું યુનિટ આખે આખું આગની લપેટમાં આવી ગયું હતું અને આગમાં લપેટમાં લાખોનો ઘડિયાળનો તૈયાર અને કાચો માલ બળીને રાખ થઈ ગયો હતો અને ત્રણ માળના કારખાનાના બે માળની આગ બુઝાવીને હાલ ત્રીજા માળે આગ ઓલાવવાના પ્રયાસો ચાલુ છે. મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 7મા ગેસ ગોદામ વાળી શેરીમાં આવેલ મંગલમ વોલ કલોક નામના કારખાનામાં આજે વહેલી સવારના પાંચ વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયર બ્રિગેડ દ્વારા મોરચો સંભાળી સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જો કે, આગ કેમ લાગી તે કારણ હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ આગ વિકરાળ હોવાથી ફાયર બ્રિગ્રેડને પણ આગ બુઝાવવામાં નાકે દમ આવી ગયો હતો. આ અંગે ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ઘડિયાળનું યુનિટ ગ્રાઉન્ડ ફ્લોર તેમજ ત્રણ માળ સાથે મોટું છે. આ ઘડિયાળના યુનિટમાં વહેલી સવારે આગ લાગતા ફાયર બ્રિગ્રેડ ઘટના સ્થળે દોડી ગયો હતો. પણ આગ એટલી બધી ભયાનક હતી કે, ગ્રાઉન્ડ ફ્લોર સહિત ચાર માળનું આખે આખું આ કારખાનું આગની ઝપટે ચઢી ગયું હતું અને સતત કારખાનામાંથી ભીષણ જ્વાળાઓ નીકળતી હોય અને ઉપરથી પ્લાસ્ટિકની ઘડિયાળ સહિતનો તૈયાર અને કાચો માલ હોય ઉપરથી જેમ બુઝાવી નાખીએ તો નીચે સળગતું હોય ફરી જ્વાળાઓ પકડી લે છે. આ કારખાનામાં ઘડિયાળનો કાચો પાકો સહિત અંદાજે રૂ.25થી વધુ લાખનો માલ હતો. જે બળીને રાખ થઈ ગયો છે. આગ હજુ મોડી સાંજે પણ યથાવત રહી છે. જેમાં ફાયર બ્રિગ્રેડની ટીમે બે માળની આગને બુઝાવી નાખી છે અને ત્રીજા માળે લાગેલી આગ ઓલાવવા માટે હજુ પ્રયાસો ચાલુ છે. તેમ ફાયર બ્રિગ્રેડના ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.