ઇકો ગાડીના ચાલકે પાર્સલનું ડબલ ભાડું માંગી હીંચકારો હુમલો કરતા ફરિયાદ મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ગુરુવારે રાત્રે પાર્સલના પૈસા આપવા બાબતે ઇકો ચાલક અને અન્ય એક શખ્સે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીના પુત્ર ઉપર છરી વડે હીંચકારો હુમલો કરતા સનસનાટી મચી જવા પામી છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ઇકો કારના ચાલક પાસેથી પાર્સલ લેવા ગયેલા વિહિપ અગ્રણી રામનારાયણ ભાઈ દવેના પુત્ર કપિલ રામ નારાયણ દવે અને કપિલના પત્ની કામિની બેન દવે પાસેથી પાર્સલનું ડબલ ભાડું માંગી ઇકો ચાલકે ઝઘડો કર્યો હતો અને કપિલભાઈ ઉપર આરોપીઓએ છરી વડે હૂમલો કરી ઇજા પહોંચાડી હતી. બાદમાં કપિલભાઈને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે એ ડિવિઝન પોલીસે જીજે 36 બી 3627 નંબરની ઇકો કારના ચાલક અને અન્ય એક શખ્સ વિરુદ્ધ ગુંન્હો નોંધી હુમલાખોરોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.