હળવદ - મોરબી રોડ ઉપરની ઘટનામાં અકસ્માત સર્જી કાર ચાલક ગાયબ મોરબી : મોરબી હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ નજીક દરણુ દળાવીને આવતા હોટલ સંચાલકને પુરપાટ ઝડપે આવતી કરે હડફેટે લેતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જો કે અકસ્માતના મોટાભાગના બનાવોની જેમ આ અકસ્માતની ઘટનામાં પણ કાર ચાલક અકસ્માત સર્જી નાસી છુટતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ નીચી માંડલ ગામે રહેતા અને ઉંચીમાંડલ ગામે હોટલ પટેલ વિહાર ભાડે રાખી ગુજરાન ચલાવતા મૂળ ઉપલેટાના ભાયાવદર ગામના ઘનશ્યામભાઇ બાવજીભાઇ ધાણેજા ગઈકાલે હોટલ માટે દરણુ દળાવીને એક્ટિવા ઉપર પરત હોટલ આવતા હતા ત્યારે તેમની હોટલની સામે જ જીજે-01-આર.એ.-4965ના કાર ચાલકે પુરપાટ ઝડપે આવી હડફેટે લેતા માથામાં,નાકે તેમજ પગમાં ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટના બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો અને ઈજાગ્રસ્ત ઘનશ્યામભાઈને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ઘનશ્યામભાઈની ફરિયાદના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.