ટંકારા : કોરોનાની મહામારીને રોકવા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો તરફથી વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. જે અન્વયે એક જાહેરનામું પાન-ફાકીની દુકાનો બંધ રાખવા અંગેનું પણ છે. આ માટે એવું કારણ અને તારણ આપવામાં આવ્યું છે કે પાન-ફાકી-ગુટખા-તંબાકુના વ્યસનીઓ જે-તે તંબાકુયુક્ત નશો કરીને જ્યાં-ત્યાં થુંકતા હોય કોરોનાની મહામારીનો વ્યાપ વધવાની સંભાવના વધી જાય છે, ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રમાં તમાકુયુક્ત નશો કરવાવાળા વ્યસનીઓ બહોળા પ્રમાણમાં હોય પાનની દુકાનો ખોલવા તેમજ ચોરીછૂપીથી વેંચવા પર પ્રતિબંધ છે. જોકે વ્યસનીઓને તંબાકુયુક્ત ચીજ-વસ્તુઓનો નશો કર્યા વગર ચેન પડતું ન હોય તેઓ ગમે તે ભોગે અને ગમે ત્યાંથી ફાકી,તંબાકુ,ગુટખા કે બીડી-સિગારેટ મેળવવા માટે પ્રયાસરત બન્યા છે ત્યારે જે લોકો પાસે જૂનો સ્ટોક પડ્યો છે તેવા હોલસેલ અને છુટ્ટક પાન-ફાકીના ધંધાર્થીઓ વ્યસનીઓને લૂંટવા લાગ્યા છે. ચોરીછૂપીથી આવા ધંધાર્થીઓ પોતાના નિયમિત ગ્રાહકો પાસેથી તેમજ અન્ય ગ્રાહકો પાસેથી મોં માંગ્યા ભાવ પડાવે છે. વ્યસનીઓ પણ કોઈ પણ ભાવે 'માલ' મેળવવા તૈયાર હોય છે. જો કે આ સ્થિતિ વચ્ચે પોલીસ પણ તંબાકુયુક્ત ચીજ-વસ્તુઓનું વેંચાણ કરતા ધંધાર્થીઓ પર વોચ રાખી રહી છે. પોલીસ અને ધંધાર્થીઓ વચ્ચેની આ છૂપાછૂપીમાં વ્યસનીઓ પીડાઈ રહ્યા છે. ત્યારે ટંકારામાં એક ધંધાર્થીને પાન-ફાકીની દુકાન ખોલવું ભારે પડી ગયું છે. ચોરીછૂપીથી દુકાન ખોલતા જ બંધાણીઓ દુકાન પર તૂટી પડ્યા હતા અને તમાકુની રીતસર લૂંટફાટ મચી ગઈ હતી. આ બનાવ હાલતો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે તંત્રએ વ્યસનીઓને કાળાબજારથી લૂંટતા બચાવવા જોઈએ એવો બળાપો વ્યસનીઓ વ્યક્ત કરી રહ્યા છે.