પ્રાયોગિક ધોરણે શહેરમાં પ્રવેશતા ભારે વાહનોનો સવારે પ્રવેશ બંધ કરાવાયોલોકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા મોરબી જિલ્લા પોલીસ વડાની અપીલમોરબી : મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની ગઈ છે. દરરોજ શહેરમાં વિવિધ રસ્તાઓ પર ટ્રાફિકજામ જોવા મળે છે. ત્યારે ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ખુદ મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ મેદાને ઉતર્યા છે. જિલ્લા પોલીસવડાએ સવારથી જ જ્યાં જ્યાં ટ્રાફિકની સમસ્યા છે તે પોઈન્ટ ઉપર જઈને ટ્રાફિક સમસ્યા હળવી કરવા શું પ્રયત્નો કરી શકાય તે અંગેની કાર્યવાહી આજથી શરૂ કરી છે.આ અંગે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ કુમાર પટેલે જણાવ્યું હતું કે, ટ્રાફિકની સમસ્યાએ મોરબીનો મુખ્ય પ્રશ્ન છે. આ અંગે અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે રવિરાજ ચોકડીથી લઈને શક્ત શનાળાથી આગળ સુધી સવારે અને સાંજે ખૂબ જ ટ્રાફિક થાય છે. જેનું મુખ્ય કારણ સિરામિક ઉદ્યોગોમાં આવન-જાવન કરતાં લોકો હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત કચ્છ, માંડવી અને મુદ્રા પોર્ટ પરથી ભારે વાહનો અહીંથી પસાર થાય છે. જેના કારણે પિક અવર્સમાં ખૂબ જ ટ્રાફિક થાય છે. જેથી આજે અમે રવિરાજ ચોકડી અને ધરમપુર બ્રિજ છે ત્યાં ભારે વાહનોને પાર્ક કરાવ્યા. કમ્ફર્ટ રિસોર્ટ છે ત્યાંથી પાર્કિંગ શરૂ કરાવ્યું. પ્રાયોગિક ધોરણે સવારે 8 થી 10-30 સુધી બે કલાક ભારે વાહનોને પ્રવેશ બંધ કરાવ્યો છે. જેનાથી થોડો ટ્રાફિક હળવો થયો હોય તેવું લાગી રહ્યું છે. ભારે વાહનો 10-30 બાદ પ્રવેશ કરી શકશે તેમ તેમણે જણાવ્યું હતું. સાંજે પણ આ પ્રકારે ભારે વાહનોને પ્રવેશ બંધ કરાવવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. જો આ પ્રયોગ સફળ થશે તો આગળ પણ ચાલુ રાખવામાં આવશે.વધુમાં તેમણે લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે ભક્તિનગર ઓવરબ્રિજની નીચેથી પસાર થવા જણાવ્યું હતું જેથી ટ્રાફિકનો સામનો ન કરવો પડે. સ્પીડબ્રેકર પણ નાના કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ જણાવ્યું હતું. આ અંગે મોરબી જિલ્લા પોલીસ વડાએ લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે લોકો પણ સહકાર આપે, વાહનો લાઈનમાં જ ચલાવે ઓવરટ્રેક કરવાનો પ્રયત્ન ના કરે. આ અંગે સિરામિક ઉદ્યોગકારો, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને વેપારી મંડળો સાથે બેઠક કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.હાઈવે પર ટીંબડીના પાટીયાથી મકનસર સુધી સર્જાતા ટ્રાફિકજામ અંગે જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે, આ માટે ટ્રાફિકમાં ખૂટતું મહેકમ પૂર્ણ કરવામાં આવ્યું છે. હજુ પણ ટીઆરબીની ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આ સમસ્યા અંગે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે અમે મીટિંગ કરી હતી અને કેટલાક સૂચનો પણ કર્યા હતા પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી તેના નિયમોમાં કેટલા ફેરફાર કરી શકે છે કે કેમ તે જોવાનું છે. સાથે જ આજે જિલ્લા પોલીસ વડાએ કાળા કાચ ધરાવતી કાર, ઓવરસ્પીડમાં ચાલતા વાહનો અને અન્ય નિયમો ન પાળતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી છે.