પુત્ર ગુમ થવા પાછળ સાવકી માતાની શંકાસ્પદ ભૂમિકાની શંકાએ હળવદ પોલીસે તપાસ આગળ વધારી હળવદ : હળવદમાં 10 વર્ષના બાળકના અપહરણમાં તેની સાવકી માતાની શંકાસ્પદ ભૂમિકા હોવાની શંકાએ પોલીસે સાવકી માતાને રાઉન્ડઅપ કરીને સઘન પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ અંગે પોલીસે હાલ કોઇ સત્તાવાર વિગતો જાહેર ન કરી તપાસ ચાલુ હોવાનું જણાવી રહી છે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ ગુમ થનાર બાળક પાછળ સાવકી માતાની જ ભૂમિકા શંકાસ્પદ હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે આ બાળકના અપહરણના બનાવમાં આગામી સમયમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવા એંધાણ મળી રહ્યા છે. આ બનાવની મળતી વિગતો અનુસાર હળવદ માળીયા હાઈવે પર આવેલ મોરબી ચોકડી પરના વિશાલ પેકેજીંગ નામના કારખાનામાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયેશભાઈ પ્રજાપતિનો 10 વર્ષનો પુત્ર ધ્રુવ ઉર્ફે કાનો ગત તા.6 ના રોજ બપોરે રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો હતો. આથી પરિવારજનોએ પહેલા બાળક ગુમ થયાની હળવદ પોલીસ મથકે નોંધ કરાવી હતી. તેમ છતાં બાળકની ભાળ ન મળતા અને મામલો ગંભીર દેખાતા તેનું અપહરણ થયાની શંકા સાથે બાળકના પિતા જયેશભાઇ જયંતીલાલ ખોડીયાએ પોતાના પુત્ર ધ્રુવનું કોઈ અજાણ્યા શખ્સોએ લાલચ આપીને અપહરણ કરી ગયાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હળવદ પોલીસે આ બનાવની સઘન તપાસ કરતા પોલીસ સામે કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જોકે હજુ સુધી હળવદ પોલીસે આ બનાવ મામલે કોઇ સતાવાર વિગતો જાહેર કરી નથી અને આ બનાવની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી ચૂપકી સાધી છે. પણ આધારભૂત સુત્રો પાસેથી મળતી હકીકત મુજબ હળવદ પોલીસની તપાસમાં બાળકની માતા સાવકી હોય અને બાળક સાથે સાવકી માતાના વ્યવહારમાં તેની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. આથી પોલીસે સાવકી માતાની સધન પૂછપરછ કરી હતી. જેમાં ચોકવાનારી વિગતો સામે આવી છે. જોકે હજુ સુધી બાળકની ભાળ મળી નથી. અને પોલીસ હાલ બાજુમાં આવેલી કેનાલમાં પણ તપાસ કરી રહી છે. ત્યારે આગામી સમયમાં આ બનાવમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવે તેવી શકયતા છે.