યુવકે આત્મહત્યા કરી હોવાની શંકા : અમૃતસર રહેતા યુવકના પરિવારને ઘટનાની જાણ કરાઈ મોરબી : મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ગાંધી સોસાયટી પાસેથી એક યુવકની લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે જાણ થતાં બી ડિવિઝન સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવક પંજાબના અમૃતસરનૉ હોવાનું બહાર આવ્યું છે. હાલ તો યુવકે આત્મહત્યા કરી હોવાની પોલીસ દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગાંધી સોસાયટી નજીકથી એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી.ઘટનાની સ્થાનિકોએ પોલીસને જાણ કરતા બી ડીવિઝન પીઆઇ સોઢા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડાયો હતો.યુવકની ઓળખ કરતા તેનું નામ જગદીશસિંઘ ધરમસિંઘ સુરોપા હોવાનું અને પંજાબના અમૃતસરનો હોવાનું બહાર આવ્યું છે. પોલિસે તેના પરિવારને જાણ કરતા પરિવાર મોરબી આવવા રવાના થયો હતો યુવક મોરબી શા માટે આવ્યો તે અંગે પરિવાર આવ્યા બાદ જ સામે આવી શકે છે. પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે. આ અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.