આયરાબાનુ શાહમદારે રમઝાન માસના રોજા અને બીમારી વચ્ચે પણ 10 કલાક મહેનત કરી A1 ગ્રેડ મેળવ્યો, હવે CA બનવાનું સપનુંમોરબી : મોરબીની ડી. જે. પટેલ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની આયરાબાનુ અલ્તાફશા શાહમદારે ધોરણ 12 કોમર્સના પરિણામમાં ઝળહળતી સફળતા મેળવી છે. આયરાબાનુએ 700 માંથી 636 માર્ક્સ મેળવીને 98.80 પીઆર સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. વિશેષમાં, તેણે ઓર્ગેનાઈઝેશન ઓફ કોમર્સ (OC) વિષયમાં 100 માંથી 100 પૂરા ગુણ મેળવ્યા છે.આયરાબાનુની આ સફળતા પાછળ અનેક વર્ષોનો સંઘર્ષ છુપાયેલો છે. મોરબી અપડેટ સાથેની વાતમાં તેણે જણાવ્યું હતું કે, 14 વર્ષ પહેલા જ્યારે તે માત્ર 4 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થતા તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. ત્યારબાદ તેની માતાએ એકલા હાથે 3 સંતાનોને મોટા કર્યા છે. મોચી ચોક પાસે આવેલી મસ્જિદની એક નાનકડી ભાડાની ઓરડીમાં રહેતા આ પરિવારનું ગુજરાન ચલાવવા અને બાળકોને ભણાવવા માટે માતા 6 થી 8 ઘરોમાં વાસણ ઘસવા અને ઘરકામ કરવા જાય છે.આયરાબાનુએ સરકારી શાળામાં અભ્યાસ કરી આ સિદ્ધિ મેળવી છે. તે સવારે શાળાએ અને બપોર પછી ટ્યુશનમાં જતી હતી. ટ્યુશન ક્લાસની 2 બ્રાન્ચ વચ્ચે પણ તેણે 1 નંબર મેળવ્યો છે. આ સાથે તે ઘરકામમાં પણ માતાને મદદ કરતી અને વહેલી સવારે 4 વાગ્યે ઉઠીને રોજના 4 થી 5 કલાકનું વાંચન કરતી હતી. આમ તે દિવસના 10 થી વધુ કલાક અભ્યાસ પાછળ વિતાવતી હતી. તેના 2 મોટા ભાઈઓ પણ કામ કરીને પરિવારને મદદરૂપ થાય છે.પરીક્ષાના સમયે રમઝાન મહિનો ચાલતો હોવાથી આયરાબાનુ રોજા પણ રહેતી હતી. આ દરમિયાન તેને પેટમાં ઇન્ફેક્શન પણ થઈ ગયું હતું, તેમ છતાં તેણે હાર માની ન હતી અને પોતાની મહેનત ચાલુ રાખી હતી. અગાઉ ધોરણ 10 માં પણ તેણે 94 પીઆર મેળવ્યા હતા.આગળ જતા તે BCom કરી અને CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) બનવા માંગે છે. પોતાની સફળતાનો શ્રેય તેણે પોતાની માતાના સંપૂર્ણ સપોર્ટ અને શાળાના શિક્ષકોના માર્ગદર્શનને આપ્યો છે. અન્ય વિદ્યાર્થીઓને સંદેશ આપતા આયરાબાનુએ જણાવ્યું હતું કે, જો તમારું લક્ષ્ય નક્કી હોય તો કોઈપણ ખરાબ પરિસ્થિતિ તમને આગળ વધતા રોકી શકતી નથી, માત્ર પોતાના ગોલ પર જ ફોકસ કરવું જોઈએ.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratBoardResult #HSCResult #CommerceResult #SuccessStory #Inspirational #MorbiStudents #Education