હાર્ટએટેક, ઝાડા ઉલટીથી બે વ્યક્તિના મૃત્યુ, એકને ધંધો ન મળતા આપઘાત કર્યો તો પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધોમોરબી : મોરબી તાલુકા વિસ્તારમાં અલગ અલગ ચાર કિસ્સામાં ચાર વ્યક્તિના અકાળે અવસાન થયા હતાં. જેમાં યુવાનને ઝાડા ઉલટી થવાથી, આધેડનું હાર્ટ એટેકેથી, પરિણીતાએ ગળેફાંસો ખાઈ લઈ તેમજ છૂટાછેડા લીધા બાદ યુવાનને કામ મળતું ન હોય એસિડ પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.પ્રથમ બનાવમાં મોરબીના માણેકવાડા ગામે રહેતા વાઘજીભાઈ કલાભાઈ ચાવડા ઉ.58 નામના આધેડને મહેશભાઈ નરેશભાઈ ચાવડાના ઘેર છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ હાર્ટએટેક આવી જતા બેભાન બની જતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડતા મૃત્યુ નીપજ્યું હતું. બીજા બનાવમાં મોરબીના લીલાપર રોડ ઉપર યદુનંદન ગૌશાળા નજીક ગુરુકૃપા ટાઇલ્સ કટિંગ કારખાનામાં કામ કરતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની રશ્મિકાબેન બલરામભાઈ ગીરી ઉ.25 નામની પરિણીતાએ લેબર કવાટર્સમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે.મૃતકના છ વર્ષ પહેલા જ લગ્ન થયા હોવાનું અને એક સંતાન હોવાનું સામે આવ્યું છે.જ્યારે ત્રીજા બનાવમાં મોરબીના જીકિયારી ગામે રહેતા વિજયભાઈ ચકુભાઈ સોલંકી ઉ.41 નામના યુવાને પાંચેક માસ પહેલા છટાછેડા લીધા બાદ એકલવાયું જીવન જીવતા હોય અને કોઈ કામ ધંધો મળતો ન હોવાથી એસિડ પી જતા સારવાર દરમીયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ચોથા બનાવમાં મોરબીના વાઘપર પીલુડી ગામે અવધ સ્ટોન કારખાનામાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની કિશન બબુભાઈ રાવત ઉ.28 નામના યુવાનને ગત તા.27ના રોજ ઝાડા ઉલટી થઈ જતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તા.28ના રોજ વધુ સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.