મોરબી : મોરબીમાં કોરોના દર્દીઓની વ્હારે આવીને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. તેને દાતાઓ તરફથી ખુબ સહયોગ સાપડી રહ્યો છે. આજે સખનપરા પબ્લિસિટી તરફથી આ સેન્ટરને રૂ. 51 હજારનું અનુદાન આપવામાં આવ્યું છે. મોરબીમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે સર્વધર્મ સમભાવની ભાવના અખંડિત રાખીને તમામ સમાજના જરૂરિયાત મંદ દર્દીઓને તાત્કાલીક આરોગ્ય સુવિધા આપવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આગળ આવીને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી રફાળેશ્વર ખાતે આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે સર્વ સમાજ માટે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાત મંદ દર્દીઓની ખરા અર્થમાં સઘન સારવાર સાથે પારિવારિક વાતાવરણ આપીને દર્દીઓના મનમાંથી કોરોનાનો હાઉ દૂર કરવાના સરાહનીય પ્રયાસો કરાતા હોવાથી દર્દીઓને નેક દિલે થતી સેવાથી પ્રભાવિત થઈને અનેક ઉધોગપતિઓ સહિતના સમાજ શ્રેષ્ઠીઓ પોતાનાથી બનતી મદદ કરવા આગળ આવી રહ્યા છે. શહેરમાં હોર્ડિંગ્સ અને બેનર ક્ષેત્રે ભારે નામના ધરાવતી સખનપરા પબ્લિસિટી દ્વારા આ સેન્ટરને રૂ. 51 હજારનું અનુદાન આપી અન્ય દાતાઓને પણ આ કપરી પરિસ્થિતિમાં આગળ આવવાની લાગણીસભર અપીલ કરવામાં આવી છે.