દંપતીના આંત્યતિક પગલાંથી તેમના પરિવાર ભારે અરેરાટી મોરબી : મોરબીમાં દંપતીએ સજોડે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસ મૃતક પતિ-પત્ની અલગ અલગ બીમારીથી પીડાતા હોવાથી આ બીમારીથી કંટાળીને સજોડે જ મોતને વ્હાલું કરી લીધાનું ખુલ્યું છે. દંપતીના આ આંત્યતિક પગલાંથી તેમના પરિવાર ભારે અરેરાટી મચી ગઇ છે. મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે આવેલ શ્યામ પાર્કમાં રહેતા હરસુખભાઈ શામજીભાઈ કોટડીયા (ઉ.વ.59) અને તેમના પત્ની હીરાબેન હરસુખભાઈ કોટડીયા (ઉ.વ.53) નામના આધેડ વયના દંપતીએ આજે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લેનાર દંપતીના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં પરિવારજનોએ બન્ને મૃતદેહોને મોરબીની સિવિલમાં હોસ્પિટલમાં ખસેડયા હતા. દંપતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલમાં દોડી ગયો હતો અને દંપતીએ ક્યાં કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા તપાસ હાથ ધરી હતી. એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, મૃતક દંપતી સુખી સંપન્ન પરિવારના છે અને તેમને બે પુત્રો છે.તેમજ સંયુક્ત પરિવારમાં રહેતા અને ખેતીવાડીનો વ્યવસાય કરતા હતા.દરમિયાન મૃતક હરસુખભાઈ છેલ્લા ઘણા સમયથી બી.પી.ની બીમારીથી પીડાતા હતા. તેમજ તેમના પત્ની કમરના મણકાની બીમારીથી પીડાતા હતા. આ બીમારીઓથી હતાશ થઈને બન્ને પતિ-પત્નીએ આ અંતિમ પગલું ભરી લીધાની પોલીસ સમક્ષ મૃતકના પરિવારજનોએ નિવેદન નોંધાવ્યું હતું.