રાજ્યમાં કાયદા વ્યવસ્થા કથળી રહી છે અને મોરબીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે ત્યારે ભાજપ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાનો કોંગ્રેસ અગ્રણીઓ આક્ષેપ મોરબી : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગયેલ છે અને પોલીસ વિભાગ હવાલા કાંડ કરવામાં મશગુલ છે અને ભાજપ શાસિત મોરબી નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી મોરબીમાં ગરીબ કલ્યાણ મેળામાં આવતા ગુજરાતના મુખ્યમંત્રીને કોંગ્રેસ પક્ષ ઘેરાવ કરી કાળા વાવટાથી સ્વાગત કરશે. સાથે અનેક આશ્ચર્યજનક કાર્યક્રમ આપશે તેવી કોંગ્રેસ અગ્રણી રમેશ રબારી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ પ્રમુખ રમેશ રબારીએ એક યાદીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં જાણે કાયદો વ્યવસ્થા જેવી કોઈ ચીજ નથી. દિનદહાડે હત્યા, ચોરી, લૂંટ જેવા બનાવો બને છે. તાજેતરમાં જ સુરત શહેરમાં જગજાહેર એક દીકરીની ચપ્પુ મારી હત્યા કરવામાં આવી. આવા કિસ્સા રોજબરોજ બનતા રહે છે અને રાજકોટમાં પોલીસ ખાતું એની કામગીરી છોડી ટપોરીની જેમ હવાલા લઈ જમીન-મકાન ખાલી કરાવવાના કામ કરી મોટું કમિશન લઈ લોકોને દબાવી દહેશત ફેલાવવાનું કામ કરેલ છે. આ સરકારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સદંતર નિષ્ફળ ગયેલ છે. એવી જ રીતે મોરબી નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં પણ સદંતર નિષ્ફળ ગયેલ છે. મોરબી શહેરની એ ગ્રેડની મોરબી નગરપાલિકા હોય, જેમાં પૂર્ણ બહુમતીથી ભાજપ શાસિત નગરપાલિકા કાર્યરત હોય પરંતુ કામ કરવાની પણ અણઆવડત અને વહીવટી જ્ઞાનની ખામીના કારણે આજ સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા મોરબી શહેરને નર્કાગાર પરિસ્થિતિમાં ફેરવી નાખવામાં આવ્યું છે. આજ જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા, ઉભરાતી ગટરના ગંદા પાણી, પીવાના શુદ્ધ પાણીમાં ગટરના પાણીની મિલાવટ, શેરી ગલીઓમાં અંધકાર અને અનેક જગ્યાએ ચોવીસ કલાક લાઈટો ચાલુ રાખી પ્રજા ઉપર આર્થિક બોજ નાખી રહ્યા છે તેમજ રોડ રસ્તામાં ખાડા છે. હાલમાં શનાળા મેઈન રોડ, સરદાર બાગ પાસે ચોવીસે કલાક ભૂગર્ભ ગટરના પાણી છલકાય છે. જેના કારણે પ્રજા પરેશાની ભોગવી રહેલ છે. મોરબી નગરપાલિકાને અનેક રજૂઆતો કરવા છતાં અંદરોઅંદરના વિખવાદના કારણે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપી શક્તા નથી. પ્રજા પોતાના પરસેવાના પૈસાથી કરવેરા ભરે છે છતાં મોરબી નગરપાલિકા પ્રજાને સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલ છે. મોરબી શહેરમાં જે નવા રસ્તાઓ બનેલા છે, તે પણ સમય મર્યાદા પહેલા તૂટી ગયેલા છે. રોડ રસ્તાના કામમાં શાસક પક્ષ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી નબળા રોડ રસ્તા બનાવવામાં આવે છે, જે સમય મર્યાદા પહેલા રસ્તા તુટી જાય છે. જેમ કે મહેન્દ્રપરા મેઈન રોડ, વાડી વિસ્તારના રોડ, વાવડી રોડ અને રવાપર તેમજ પાલિકા સામેના રોડ રસ્તાઓ જેવા અનેક રોડ રસ્તા તૂટી ગયેલા છે. આવા રોડ ઉપર અતિ મસમોટા ખાડાઓ પડી ગયા છે અને લોકોને ચાલીને જવામાં પણ મુશ્કેલી પડે છે. આમ મોરબી નગરપાલિકામાં તમામ વિભાગની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે. જેવા કે સેનિટેશન વિભાગમાં ડોર ટુ ડોર વિભાગમાં કચરા કલેક્શનમાં તેમજ સફાઈ કામદારોની કાગળ પર હાજરી બતાવી શાસક પક્ષ અંદરોઅંદર ભાગ બટાઇ કરી ભ્રષ્ટાચાર આચરે છે તેમજ માનીતા કોન્ટ્રાક્ટરને કમાવી દેવાના ભાગ રૂપે અને તેમાંથી કમિશન હડપ કરવાની આજ મોરબી નગરપાલિકામાં કામગીરી ચાલી રહી છે. ત્યારે આવા અનેક પ્રશ્નો સાથે ભાજપ શાસિત નગરપાલિકા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે ત્યારે મોરબી મુકામે ગુજરાતના મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ મેળામાં આવતા હોય, જેની સામે મોરબી કોંગ્રેસ પક્ષ પ્રજાને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. તે માટે થઈ આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે અને મુખ્યમંત્રીને ઘેરાવ કરી કાળા વાવટા ફરકાવી તેમનું સ્વાગત કરવામાં આવશે તેમ મોરબી કોંગ્રેસના આગેવાન જયંતીભાઈ પટેલ તેમજ રાજુભાઈ કાવર, મહેશ રાજગુરુ, અશ્વિનભાઈ વિડજા, એલ. એમ કંઝારિયા, કે. ડી. પડસુબિયા તેમજ મહિલા કોંગ્રેસ, યુવા કોંગ્રેસ, તાલુકા જિલ્લા કોંગ્રેસ તેમજ કોંગ્રેસના તમામ સેલ, ડિપાર્ટમેન્ટના તમામ આગેવાનો સાથે રાખી પ્રજાના પ્રાથમિક સુવિધાના પ્રશ્ને કાર્યક્રમ આપશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..