મોરબી : મોરબી નગરપાલિકામાં હાલ વહીવટદાર શાસન હોય મોરબી શહેર અનેક સમસ્યાઓથી ઘેરાયેલું હોવાનો આરોપ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ ભાજપના ધારાસભ્ય પર આરોપ લગાવી પ્રજાને યોગ્ય સુવિધાઓ આપવા માંગ કરી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી અને મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રામભાઈ રબારીએ જણાવ્યું છે કે, મોરબી શહેરને નર્કાગારમાં ફેરવી દેવાયું છે અને ઠેર ઠેર ગંદકી અને કમરતોડ રસ્તાઓથી પ્રજા પરેશાન થઈ ગઈ છે. એ ગ્રેડની નગરપાલિકાનું સંચાલન મોરબી-માળીયાના ભાજપના ધારાસભ્ય દ્વારા ચાલી રહ્યું છે ત્યારે પાલિકા પ્રજાને ડી ગ્રેડ કરતાં પણ ખરાબ સુવિધાઓ આપી રહી છે. કોંગ્રેસે કચરાના ઢગલા, ભુગર્ભ ગટરના ગંદા પાણી, ખરાબ રોડ રસ્તા, ચીફ ઓફિસરની વારંવાર ગેરહાજરી વગેરે મામલે આક્ષેપો કરીને પ્રજાજનોને યોગ્ય સુવિધા આપવા માંગ કરી છે.